આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કઈંક એવો આભાસ છે કે આ ભાઇ પોતે જ બાઈબલ વેચતા. તેમણે નક્શાઓ, અનુક્રમણિકા વગેરેવાળું બાઇબલ મને વેચ્યું. મેં તે શરૂ કર્યું. પણ હું 'જૂનો કરાર' વાંચી જ ન શક્યો. 'જેનેસિસ'-સૃષ્ટિમંડાણ-ના પ્રકરણ પછી તો વાંચું એટલે ઊંઘ જ આવે. 'વાંચ્યું' એમ કહી શકાય તે ખાતર, રસ વિના ને સમજ્યા વિના, મેં બીજા પ્રકરણો બહુ કષ્ટપૂર્વક વાંચ્યાં એમ સ્મરણ છે. 'નંબર્સ' નામનું પ્રકરણ વાંચતાં મને અણગમો થયો.

જ્યારે 'નવા કરાર' ઉપર આવ્યો ત્યારે જુદી જ અસર થઈ. ઈશુના ગિરિપ્રવચનની અસર બહુ સારી પડી. તે હ્રદયમાં ઊતર્યું. બુદ્ધિએ ગીતાજીની સાથે સરખામણી કરી. 'તારું પહેરણ માગે તેને અંગરખું આપજે,' 'તને જમણે ગાલે તમાચો મારે તેની આગળ ડાબો ધરજે,' એ વાંચીને મને અપાર આનંદ થયો. શામળભટ્ટનો છપ્પો યાદ આવ્યો. મારા બાળક મને ગીતા, આર્નલ્ડકૃત બુદ્ધચરિત, અને ઈશુનાં વચનોનું એકીકરણ કર્યું. ત્યાગમાં ધર્મ છે એ વાત મનને ગમી.

આ વાચનથી બીજા ધર્માચાર્યોનાં જીવન વાંચવાનું મન થયું. કાર્લાઇલનું 'વિભૂતિઓ અને વિભૂતિપૂજા' વાંચવાની કોઇ મિત્રે ભલામણ કરી. તેમાંથી પેગંબર વિષે વાંચી ગયો ને તેમની મહત્તાનો વીરતાનો ને તેમની તપશ્ચર્યાનો ખ્યાલ આવ્યો.

આટલા પરિચયથી હું આગળ ન વધી શક્યો. મારાં પરીક્ષાનાં પુસ્તકો ઉપરાંત બીજું વાંચવાની નવરાશ હું ન મેળવી શક્યો, પણ મારે ધર્મ-પુસ્તકો વાંચવા જોઇએ અને બધા મુખ્ય ધર્મોનો યોગ્ય પરિચય મેળવી લેવો જોઇએ એવી મારા મને નોંધ કરી.

નાસ્તિકતા વિષે પણ કાઈંક જાણ્યા વિના કેમ ચાલે? બ્રૅડલોનું નામ બધા હિંદી જાણે જ. બ્રૅડલો નાસ્તિક ગણાય. તેથી તેમને વિષેનું કઈંક પુસ્તક વાંચ્યું. નામનું મને સ્મરણ નથી રહ્યું. તેની મારા પર કઈં છાપ ન પડી. નાસ્તિકતારૂપી સહરાનું રણ હું ઓળંગી ગયો હતો. મિસિસ બેસંટની કીર્તિ તો તે વેળા પણ ખૂબ હતી જ. તે નાસ્તિક મટી આસ્તિક થાયં છે એ વાતે પણ નાસ્તિકવાદ તરફ મને ઉદાસીન બનાવ્યો. 'હું થિયૉસૉફિસ્ટ કેમ બની?' એ મિસિસ બેસંટનું ચોપાનિયું મેં વાંચી લીધું હતું. બ્રૅડલોનો દેહાંત આ અરસામાં જ થયો. વોકિંગમાં તેમની અંતક્રિયા