આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

કરવામાં આવી હતી. હું પણ તેમાં હાજર રહેલો. મને લાગે છે કે હિંદી તો એકપણ બાકી નહીં રહેલ હોય. તેમને માન આપવાને સારુ કેટલાક પાદરી પણ આવ્યા હતા. પાછા ફરતાં એક જગ્યાએ અમે બધા ટ્રેનની રાહ જોતા હતા. ત્યાં આ ટોળાંમાંના કોઇ પહેલવાન નાસ્તિકવાદીએ પાદરીઓમાંના એકની ઊલટતપાસ શરૂ કરી:

'કેમ સાહેબ, તમે કહો છો ના કે ઈશ્વર છે?'

પેલા ભલા માણસે ધીમા સાદે જવાબ આપ્યો: 'હા, હું કહું છું ખરો.'

પેલો હસ્યો ને કેમ જાણે પોતે પાદરીને માત કરતો હોય તેમ કહ્યું: 'વારુ, પૃથ્વીનો પરિઘ ૨૮,૦૦૦ માઈલ છે એ તો કબૂલ કરો છો ને?'

'અવશ્ય'

'ત્યારે કહો જોઇએ ઈશ્વરનું કદ કેવડુંક હશે ને તે ક્યાં હશે?'

'આપણે સમજીએ તો આપણાં બંનેનાં હ્રદયમાં તે વાસ કરે છે.'

'બાળકોને ફોસલાવો બાળકોને,' કહી પેલા યોદ્ધાએ અમે જેઓ આસપાસ ઊભા હતા તેમની સામે વિજયી નજરે જોયું.

પાદરીએ નમ્ર મૌન ધારણ કર્યું.

આ સંવાદે વળી નાસ્તિકવાદ તરફ મારો અણગમો વધાર્યો.


૨૧. निर्बल के बल राम

ધર્મશાસ્ત્રનું ને દુનિયાના ધર્મોનુ કંઇક ભાન તો થયું, પણ તેવું જ્ઞાન મનુષ્યને બચાવવા સારુ પૂરતું નથી નીવડતું. આપત્તિ વેળા જે વસ્તુ મનુષ્યને બચાવે છે તેનું તેને તે વેળા નથી ભાન હોતું, નથી જ્ઞાન હોતું. નાસ્તિક જયારે બચે છે ત્યારે કહે છે કે પોતે અકસ્માતથી બચી ગયો. આસ્તિક એવે પ્રસંગે કહેશે કે મને ઈશ્વરે બચાવ્યો, ધર્મોના અભ્યાસથી, સંયમથી ઈશ્વર તેના હૃદયમાં પ્રકટ થાય છે એવું અનુમાન પરિણામ પછી તે કરી લે છે. એવું અનુમાન કરવાનો તેને અધિકાર છે. પણ બચતી વેળા તે જાણતો નથી કે તેને તેનો સંમય બચાવે છે કે કોણ બચાવે છે. જે પોતાના સંયમબળનું અભિમાન રાખે છે તેનો સંયમ રોળાઈ ગયેલો કોણે નથી અનુભવ્યો ? શાસ્ત્રજ્ઞાન તો એવે સમયે થોથાં સમાન લાગે છે.

આ બૌદ્ધિક ધર્મજ્ઞાનના મિથ્યાત્વનો અનુભવ મને વિલાયતમાં મળ્યો.