આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

અમે કાર્ડિનલના મહેલમાં પ્રવેશ કર્યો. મકાન મહેલ જ હતું અમે બેઠા કે તુરત એક સુકલકડી, બુઢ્ઢા, ઊંચા પુરુષે પ્રવેશ કર્યો. અમારી બંનેની સાથે હાથ મેળવ્યા. નારાયણ હેમચંદ્રને આવકાર દીધો.

'મારે આપનો વખત નથી લેવો. મેં તો આપને વિષે સાંભળ્યું હતું. આપે હડતાલમાં જે કામ કર્યું તેને સારુ આપનો ઉપકાર માનવો હતો. દુનિયાના સાધુપુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે. તેથી આપને મેં આટલી તસ્દી આપી.' આ વાક્યોનો તરજુમો કરી દેવાનું મને નારાયણ હેમચંદ્રે ફરમાવ્યું.

'તમે આવ્યા તેથી હું રાજી થયો. હું ઉમેદ રાખું છું કે તમને અહીંનો વસવાટ અનુકૂળ આવશે. ને અહીંના લોકોની તમે ઓળખાણ કરશો. ઈશ્વર તમારું ભલું કરો.' આમ કાર્ડિનલ બોલ્યા ને ઊભા થયા.

એક વેળા નારાયણ હેમચંદ્ર મારે ત્યાં ધોતિયું ને પહેરણ પહેરીને આવ્યા. ભલી ઘરધણિયાણીએ બાર ઉઘાડ્યાં ને બીની. મારી પાસે આવી (મારાં ઘર તો હું બદલ્યાં જ કરતો એ વાંચનારને યાદ હશે), ને બોલી: 'કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે.' હું દરવાજે ગયો ને નારાયણ હેમચંદ્રને જોયાં. હું આભો જ બની ગયો. તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે.

'પણ તમને છોકરાંઓએ કનડગત ન કરી?' 'મારી પાછળ દોડતાં હતાં. મેં કંઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયાં,' મને જવાબ મળ્યો.

નારાયણ હેમચંદ્ર થોડા માસ વિલાયતમાં રહી પારીસ ગયા. ત્યાં ફ્રેંચ અભ્યાસ આદર્યો, ને ફ્રેંચ પુસ્તકોના તરજુમા શરૂ કર્યા. તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેંચ મને આવડતું હતું, તેથી તે જોઈ જવા કહ્યું. મેં જોયું કે તે તરજુમો ન હતો પણ કેવળ ભાવાર્થ હતો.

છેવટે, તેમણે અમેરિકા જવાનો પોતાનો નિશ્ચય પાર પાડ્યો. મુસીબતે ડેકની કે ત્રીજા વર્ગની ટિકિટ મેળવી શક્યા હતા. અમેરિકામાં તેમને ધોતિયું પહેરણ પહેરીને નીકળ્યાને સારુ 'અસભ્ય પોશાક પહેર્યા'ના તહોમત ઉપર પકડવામાં આવ્યા હતા. મારું સ્મરણ એવું છે કે પાછળથી તે છૂટી ગયા હતા.