આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

'તારું દર્દ હવે સમજયો. તારું સામાન્ય વાચન બહુ થોડું છે. તને દુનિયાનું જ્ઞાન નથી. વકીલને તે વિના ન ચાલે. તેં તો હિંદુસ્તાનનો ઈતિહાસ પણ નથી વાંચ્યો. વકીલને મનુષ્યસ્વભાવની ખબર હોવી જોઈએ. તેને ચહેરા ઉપરથી માણસને ઓળખતાં આવડવું જોઈએ. વળી, દરેક હિંદુસ્તાનીને હિંદુસ્તાનના ઈતિહાસનું પણ ભાન હોવું જોઈએ. આને વકીલાત સાથે સંબંધ નથી, પણ તે જ્ઞાન તને હોવું જોઇએ. હું જોઉં છું કે તેં કે અને મૅલેસનનું ૧૮૫૭ના બળવાનું પુસ્તક પણ નથી વાંચ્યું. એ તો તુરત વાંચી જ જજે.' આમ કહી લૅવેટર અને શેમલપેનિકનાં મુખસામુદ્રિક વિદ્યા (ફિઝિયૉગ્નૉમિ) ઉપરનાં પુસ્તકનાં નામ લખી આપ્યાં.

મેં આ બુજરગ મિત્રનો ખૂબ આભાર માન્યો. તેમની હાજરીમાં તો મારી ભીતિ ક્ષણભર જતી રહી, પણ બહાર નીકળ્યો કે તુરત મારો ગભરાટ પાછો શરૂ થયો. ચહેરા ઉપરથી માણસને ઓળખી કાઢવો એ વાકય ગોખતો અને પેલાં બે પુસ્તકોનો વિચાર કરતો ઘેર પહોંચ્યો. બીજે દિવસે લૅવેટરનું પુસ્તક ખરીદ્યું. શેમલપેનિકનું તે દુકાને ન મળ્યું. લૅવેટરનું પુસ્તક વાંચ્યું. પણ તે તો સ્નેલના કરતાં અઘરું લાગ્યું. રસ પણ નહીં જેવો લાગ્યો. શેકસપિયરના ચહેરાનો અભ્યાસ કર્યો. પણ લંડનના રસ્તાઓ પર ચાલતા શેકસપિયરોને ઓળખવાની શક્તિ તો ન જ આવી.

લૅવેટરમાંથી મને જ્ઞાન ન મળ્યું. મિ. પિંકટની સલાહનો સીધો ઉપયોગ મને થોડો જ થયો, પણ તેમના સ્નેહનો ઉપયોગ બહુ થયો. તેમના હસમુખો ઉદાર ચહેરો યાદ રહી ગયો. તેમનાં વચન ઉપર શ્રદ્ધા રાખી કે, વકીલાત કરવા સારુ ફિરોજશા મહેતાની હોશિયારી, યાદશક્તિ, વગેરેની આવશ્યકતા ન હોય; પ્રામાણિકપણાથી ને ખંતથી કામ ચલાવાશે. એ બેની મૂડી તો મારી પાસે ઠીક પ્રમાણમાં હતી એટલે ઊંડે કંઇક આશા આવી.

કે અને મૅલેસન અનું પુસ્તક તો હું વિલાયતમાં ન જ વાંચી શકયો. પણ તે પહેલી તકે વાંચી લેવા ધાર્યુ હતું. તે મુરાદ દક્ષિણ આફ્રિકામાં બર આવી.

આમ નિરાશામાં જરાક જેટલું આશાનું મેળવણ લઈ ધ્રુજતે પગે હું મુંબઈને બંદરે 'આસામ' સ્ટીમરમાંથી ઊતર્યો. બંદર પર દરિયો ગરમ હતો. લૉન્ચમાં ઊતરવાનું હતું.