આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ઓછો કરવાને ખાતર મુંબઈ પહોંચું ત્યાં લગી ખબર ન જ આપવા એવો નિશ્ચય મોટાભાઈએ કરી લીધો હતો. મારા દુઃખ ઉપર હું પડદો નાખવા ઈચ્છું છું. પિતાના મૃત્યુથી મને જે આઘાત પહોંચ્યો હતો તેના કરતાં આ મૃત્યુના ખબરથી મને બહુ વધારે પહોંચ્યો. મારી ઘણી ધારેલી મુરાદો બરબાદ ગઈ. પણ મને સ્મરણ છે કે હું આ મરણના સમાચાર સાંભળી પોકે પોકે નહોતો રોયો. આંસુને લગભગ ખાળી શક્યો હતો. ને જાણે માતાનું મૃત્યુ થયું જ નથી એમ વ્યવહાર શરૂ કર્યો.

દાક્તર મહેતાએ જે ઓળખાણો તેમને ઘેર કરાવી તેમાંની એક નોંધ્યા વિના ન જ ચાલે. તેમના ભાઈ રેવાશંકર જગજીવનની સાથે તો જન્મની ગાંઠ બંધાઈ. પણ હું જેમની વાત કરવા ઈચ્છું છું તે તો કવિ રાયચંદ અથવા રાજચંદ્રની. દાક્તરના મોટા ભાઈના તે જમાઈ હતા ને રેવાશંકર જગજીવનની પેઢીના ભાગીદાર ને કર્તાહર્તા હતા. તેમની ઉંમર તે વેળા ૨૫ વર્ષ ઉપરની નહોતી. છતાં તે ચારિત્રવાન અને જ્ઞાની હતા એ તો હું પહેલી જ મુલાકાતે જોઈ શક્યો. તે શતાવધાની ગણાતા હતા. શતાવધાનની વાનગી જોવા દા.મહેતાએ મને સૂચવ્યું. મેં મારા ભાષાજ્ઞાનનો ભંડોળ ખાલી કર્યો ને કવિએ મેં કહેલ શબ્દો જે નિયમમાં કહ્યા હતા તે જ નિયમમાં કહી સંભળાવ્યા ! આ શક્તિની મને અદેખાઈ થઈ પણ હું તે ઉપર મુગ્ધ ન થયો. જેના ઉપર હું મુગ્ધ થયો તે વસ્તુનો પરિચય મને પાછળથી થયો. એ હતું તેમનું બહોળું શાસ્ત્રજ્ઞાન, તેમનું શુદ્ધ ચારિત્ર, અને તેમની આત્મદર્શન કરવાની ભારે ધગશ. આત્મદર્શનને જ ખાતર તે પોતાનું જીવન વ્યતીત કરતા હતા એમ મેં પાછળથી જોયું:

હસતાં રમતાં પ્રગટ હરિ દેખું રે,
મારું જીવ્યું સફળ તવ લેખું રે;
મુક્તાનંદનો નાથ વિહારી રે,
ઓધા જીવનદોરી અમારી રે.

એ મુક્તાનંદનું વચન તેમને મોઢે તો હતું જ, પણ તે તેમના હૃદયમાંયે અંકિત હતું.

પોતે હજારોના વેપાર ખેડતા, હીરામોતીની પારખ કરતા, વેપારના કોયડા ઉકેલતા. પણ એ વસ્તુ તેમનો વિષય નહોતી. તેમનો વિષય - તેમનો પુરુષાર્થ તો આત્મઓળખ - હરિદર્શન - હતો. પોતાની પેઢી ઉપર બીજી વસ્તુ હોય યા ન હોય, પણ કોઈને કોઈ ધર્મપુસ્તક અને રોજનીશી હોય