આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જ. વેપારની વાત પૂરી થઈ કે ધર્મપુસ્તક ઊઘડે અથવા પેલી નોંધપોથી ઊઘડે. તેમના લેખોનો જે સંગ્રહ પ્રગટ થયો છે તેમાંનો ઘણો ભાગ તો આ નોંધપોથીમાંથી લેવાયેલો છે. જે મનુષ્ય લાખોના સોદાની વાત કરી લઈને તુરત આત્મજ્ઞાનની ગુઢ વાતો લખવા બેસી જાય તેની જાત વેપારીની નહીં પણ શુદ્ધ જ્ઞાનીની છે. તેમનો આવી જાતનો અનુભવ મને એક વેળા નહીં પણ અનેક વેળા થયેલો. મેં તેમને કદી મૂર્છિત સ્થિતિમાં નથી જોયા. મારી જોડે તેમને કશો સ્વાર્થ નહોતો. તેમના અતિ નિકટ સંબંધમાં હું રહ્યો છું. હું તે વેળા ભિખારી બારિસ્ટર હતો. પણ જ્યારે હું તેમની દુકાને પહોંચું ત્યારે મારી સાથે ધર્મવાર્તા સિવાય બીજી વાર્તા ન જ કરે. આ વેળા જોકે મેં મારી દિશા જોઈ નહોતી, મને સામાન્ય રીતે ધર્મવાર્તામાં રસ હતો એમ ન કહી શકાય, છતાં રાયચંદભાઈની ધર્મવાર્તામાં મને રસ આવતો. ઘણા ધર્માચાર્યોના પ્રસંગમાં હું ત્યાર પછી આવ્યો છું, દરેક ધર્મના આચાર્યોને મળવાનો પ્રયત્ન મેં કર્યો છે, પણ જે છાપ મારા ઉપર રાયચંદભાઈએ પાડી તે બીજા કોઈ નથી પાડી શક્યા. તેમનાં ઘણાં વચનો મને સોંસરા ઊતરી જતાં. તેમની બુદ્ધિને વિષે મને માન હતું. તેમની પ્રામાણિકતા વિષે તેટલું જ હતું. ને તેય હું જાણતો હતો કે તેઓ મને ઇરાદાપૂર્વક આડે રસ્તે નહીં દોરે ને પોતાના મનમાં હશે એવું જ કહેશે. આથી મારી આધ્યાત્મિક ભીડમાં હું તેમનો આશ્રય લેતો.

રાયચંદભાઈને વિષે મારો આટલો આદર છતાં, તેમને હું મારા ધર્મગુરુ તરીકે મારા હૃદયમાં સ્થાન ન આપી શક્યો. મારી એ શોધ આજ પણ ચાલુ છે.

હિંદુ ધર્મે ગુરુપદને જે મહત્ત્વ આપ્યું છે તેને હું માનનારો છું. ગુરુ વિના જ્ઞાન ન હોય એ વાક્ય ઘણે અંશે સાચું છે. અક્ષરજ્ઞાન આપનાર અપૂર્ણ શિક્ષકથી ચલાવી લેવાય, પણ આત્મદર્શન કરાવનાર અપૂર્ણ શિક્ષકથી ન જ ચલાવાય. ગુરુપદ તો સંપૂર્ણ જ્ઞાનીને જ અપાય. ગુરુની શોધમાં જ સફળતા રહેલી છે, કેમ કે શિષ્યની યોગ્યતા પ્રમાણે જ ગુરુ મળે છે. યોગ્યતાપ્રાપ્તિને સારુ સંપૂર્ણ પ્રયત્નનો દરેક સાધકને અધિકાર છે, એ એનો અર્થ છે. એ પ્રયત્નનું ફળ ઈશ્વરાધીન છે.