આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

હું સમજ્યો, મારે રવિશંકરના શિક્ષક થવાનું રહ્યુ, વખત તો પુષ્કળ હતો. અરધુ રવિશંકર રાંધે ને અરધુ હું. વિલાયતના અન્નહારી ખોરાકના અખતરાઓ અહીં ચલાવ્યા. એક સ્ટવ ખરીદ્યો. હું પોતે પંગતભેદ તો પાળતો જ નહોતો. રવિશંકરને પંગતનો આગ્રહ નહોતો. એટલે અમારો મેળ ઠીક જામ્યો. માત્ર આટલી શરત-આથવા કહો મુસીબત હતી : રવિશંકરે મેલની ભાઈબંધી છોડવાના ને રસોઈ સાફ રાખવાના સમ ખાધા હતા !

પણ મારાથી ચાર પાંચ માસથી વધારે મુંબઈ રહેવાય તેમ હતુ જ નહીં, કેમકે ખર્ચ વધતું જાય ને આવક કંઈ જ નહીં.

આમ મેં સંસારમાં પ્રવેશ કર્યો. બારિસ્ટરી મને વસમી લાગવા માંડી. આડંબર ઘણો, આવડત થોડી. જવાબદારીનો ખ્યાલ મને કચડવા લાગ્યો.

૩. પહેલો કેસ

મુંબઈમાં એક તરફથી કાયદાનો અભ્યાસ શરૂ થયો. બીજી તરફથી ખોરાકના અખતરા; અને તેમાં મારી સાથે વીરચંદ ગાંધી જોડાયા. ત્રીજી તરફથી ભાઈનો પ્રયાસ મારે સારુ કેસ શોધવાનો શરૂ થયો.

કાયદા વાંચવાનું કામ ઢીલું ચાલ્યું. 'સિવિલ પ્રોસિજર કોડ' કેમે ગળે ઊતરે નહીં. પુરાવાનો કાયદો ઠીક ચાલ્યો. વીરચંદ ગાંધી સૉલિસિટરની તૈયારી કરતા, એટલે વકીલોની ઘણી વાતો કરે. 'ફિરોજશાની હોશિયારીનું કારણ તેમનું કાયદાનું અગાધ જ્ઞાન છે. તેમને 'એવિડન્સ ઍક્ટ' તો મોઢે જ છે. બત્રીસમી કલમ ઉપરના એકેએક કેસ તેઓ જાણે. બદરુદ્દીનની બાહોશી તો એવી છે કે જ'જો તેમનાથી અંજાઈ જાય છે. તેમની દલીલ કરવાની શક્તિ અદ્ભુત છે.'

જેમ જેમ આવા અડીખમોની વાતો સાંભળું તેમ તેમ હું ગભરાઉં.

'પાંચસાત વર્ષ સુધી બારિસ્ટર કોર્ટમાં ઢેફાં ભાંગે તે નવાઈ ન ગણાય તેથી જ મેં સૉલિસિટર થવાનું ધાર્યું છે. ત્રણેક વર્ષ પછી તમે ખર્ચ ઉપાડો એટલું કમાઓ તો ઘણું સારું કર્યું કહેવાય.'

દર માસે ખર્ચ પડે. બહાર બારિસ્ટરનું પાટિયું ચોડવું ને ઘરમાં બારિસ્ટરી કરવાને સારુ તૈયારી કરવી! આ મેળ મારું મન કેમે ન મેળવી શકે. એટલે મારું વાચન વ્યાકુળ ચિત્તે ચાલ્યું. પુરાવાના કાયદામાં કંઈક