આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

થઈ હતી, મારા પિતાશ્રીના નામને જાણી તેના બારિસ્ટર દીકરા પાસે તે આવેલો. મને તેનો કેસ લૂલો લાગ્યો, પણ મેં અરજી ઘડી દેવાનું કબૂલ કર્યું. છપામણીનું ખર્ચ અસીલે આપવાનું હતું. મેં અરજી ઘડી. મિત્રવર્ગને વંચાવી. તે અરજી પાસ થઈ ને મને કંઈક વિશ્વાસ બેઠો કે, હું અરજી ઘડવા જેટલો લાયક હોઈશ,-હતો પણ ખરો.

પણ મારો ઉદ્યોગ વધતો ગયો. મફત અરજીઓ ઘડવાનો ધંધો કરું તો અરજીઓ લખવાનું તો મળે, પણ તેથી કંઈ છોકરાં ઘૂઘરે રમે?

મેં ધાર્યું કે હું શિક્ષકનું કામ કરી શકું ખરો. અંગ્રેજીનો અભ્યાસ ઠીક કર્યો હતો. એટલે, કોઈ નિશાળમાં મૅટ્રિક્યુલેશન ક્લાસમાં અંગ્રેજી શીખવવાનું કામ મળે તો તે શીખવું. કંઈક ખાડો તો પુરાય!

મેં છાપામાં જાહેરખબર વાંચી: 'જોઈએ છે, અંગ્રેજી શિક્ષક. દરરોજનો એક કલાક. પગાર રૂ. ૭૫.' આ એક પ્રખ્યાત હાઈસ્કૂલની જાહેરખબર હતી. મેં અરજી કરી. મને રૂબરૂ મળવાની આશા થઈ. હું હોંશે હોંશે ગયો. પણ જ્યારે આચાર્યે જાણ્યું કે હું બી.એ. નથી, ત્યારે મને દિલગીરીની સાથે રજા આપી.

'પણ મેં લંડનની મૅટ્રિક્યુલેશન પાસ કરી છે. લૅટિન મારી બીજી ભાષા હતી.'

'એ ખરું, પણ અમારે તો ગ્રૅજ્યુએટ જ જોઈએ.'

હું લાચાર થયો. મારા હાથ હેઠા પડ્યા. મોટાભાઈ પણ ચિંતામાં પડ્યા. અમે બંનેએ વિચાર્યું કે મુંબઈમાં વધારે કાળ ગાળવો નિરર્થક છે. મારે રાજકોટમાં જ સ્થિર થવું. પોતે નાના વકીલ હતા; કંઈક ને કંઈક અરજીઓ ઘડવાનું કામ તો આપી જ શકે. વળી રાજકોટના ઘરનું ખર્ચ તો હતું જ. એટલે મુંબઈનો ખર્ચ કાઢી નાખવાથી ઘણો બચાવ થાય એમ હતું. મને સૂચના ગમી. મુંબઈનું ઘર કુલ છએક માસના વસવાટ પછી ઉઠાવ્યું.

મુંબઈમાં રહ્યો તે દરમ્યાન હાઈકોર્ટમાં હું રોજ જતો. પણ ત્યાં કંઈ શીખ્યો એમ ન કહી શકું. શીખવા જેટલી સમજ નહોતી. કેટલીક વેળા તો કેસમાં સમજ ન પડે ને રસ ન પડે ત્યાં ઝોલાં પણ ખાતો. બીજા પણ ઝોલાં ખાનારા સાથી મળતા, તેથી શરમનો બોજો હલકો થતો.