આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૨
મ. ન. દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

છું. તે પછી નામ ને અટક. પછી મધ્યે પુસ્તક છે એ મારો નિરંતરનો અભ્યાસ અને સરસ્વતીસેવા એ જ કર્મ એમ સૂચવે છે, પુસ્તકમાં કલમ છે તે લખવાનો ધંધો કથે છે. ओं એ શબ્દ સર્વ વેદના સારરૂપ પરમાત્માના પ્રતીકરૂપ પ્રણવ છે. પુસ્તકો વાંચી, કલમથી લખી, અને તત્ત્વ એ જ કલ્પ્યું છે કે ब्रह्म सत्यं जगत्मिथ्या માટે એ મારા અદ્વૈતમાર્ગનું સૂચક છે. તે માર્ગે ચાલતાં ચાર સિદ્ધાન્ત ઠરાવ્યા છે. પ્રથમ પ્રેમ જે મેં મારાં લખાણોમાં બહુ રૂપે વારે વારે વર્ણવ્યો છે અર્થાત્ બ્રહ્મભાવ-સમાનતા-અભેદ. એમ કશામાં દુઃખ ન માનતાં પ્રેમ-અભેદ-રૂપ આનંદમાં રહી, સર્વદા ગમે તે દુઃખમાં નિરાશ ન થતાં સારાની આશા ગ્રહણ કરી પ્રયત્નપરાયણ રહેવું અને જે પ્રારબ્ધવશાત્ પ્રાપ્ત થાય તેમાં સંતોષ માની ધૈર્ય તજવું નહિ, અને આ બધું થવા માટે સર્વદા શાસ્ત્ર, સુવિચાર અને તજ્જન્ય પરમ જ્ઞાન ઉપર શ્રદ્ધા રાખ્યાં જવી. આ સર્વ કહ્યા પછી સર્વદા હારી ન જતાં આનંદથી જ રહેવાનું મારા અનુભવે જે સબલ કારણ બતાવ્યું છે તે કહ્યું છે કે પુરૂષને હાથ કાંઈ નથી, હરિ, પ્રારબ્ધ (કરે) છે તે જ થાય છે માટે શોકનો સર્વથા અવકાશ નથી માટે જ સદા બ્રહ્માનંદ-આનંદ! અહો એ, જો મને ન મળ્યો હોત તો આજ આ લખનાર કોઈ ન હોત !!

શરીરસ્થિતિ કાંઈક સુધરી છે. એમ લાગે છે કે મોતના પંજામાં સખત ઝલાયો હતો તેમાંથી ધીમે ધીમે છૂટું છું. પછી તો પ્રારબ્ધની વાત કોણ જાણે છે ! અહીં હવા ઠંડી પડી જવાથી તબીઅતમાં જરા ગરબડ થાય છે, તેમ દવાનો ક્રમ પણ હવે નિશ્ચિત થયો છે એટલે આજરોજ નડીયાદ જઈએ છીએ.