આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૬. ગૃહક્લેશ : ચાર હજારનો દસ્તાવેજ
૨-૮-૮૮
 

મુંબઈથી આવ્યાને એક માસ તો થયો નથી તેટલામાં બે તકરારો તો ઘરમાં થઈ ચુકી. અરે ચાર હજારના દસ્તાવેજ ! તું શું કરશે ! મારો પ્રાણ માત્ર લેવો જ તારે હાથ નથી, બાકી ત્યાં સુધી લાવી તો મુક્યું છે. મુંબઈથી આવ્યા પછી આશરે ૧૦-૧૫ દિવસ થયા હતા. મને ત્રીજે ત્રીજે દિવસ તાવ આવતો હતો. એક વાર તે તાવ આવ્યો હતો ને હું સાંજે પડી રહ્યો હતો. અમારાં માતુશ્રીએ ખાવાનું કર્યું ને તેમને નાતમાં જમવા જવું હતું એટલે ચાકરને કહેવા મોકલ્યો કે જમવા ચાલો. મેં કહ્યું કે તાવ આવ્યો છે તેથી વાર છે. ચાકરે કહ્યું કે ન કહ્યું તે રામ જાણે. પણ મા તો,રાતાંપીળાં થતાં આવ્યાં ને બોલ્યાં કેટલીક વાર છે, અમારાથી આવા. દાદર ચડઉતર થતા નથી, પહેલેથી કહ્યું હોત તો નાતમાં જમી આવત ને પછી રસોઈ બનાવત. મેં કહ્યું કે મારી પાસે કોઈ આવ્યું નહિ એટલે હું કોની સાથે તાવની ખબર કહેવરાવું ? હાલ ચાકર આવ્યો ત્યારે કહી. આટલા પરથી ખુબ બબડતાં ને મીજાજ કરતાં ચાલી ગયાં. મને બહુ જ માઠું લાગ્યું ને મનમાં એમ ઓછું આવ્યું કે અરે દૈવ, મારે આવો ઓશીઆળો રોટલો ખાવો રહ્યો ! ને તે પણ મારા આપતાં મુકતાં છતાં ! વળી મારા બાપે પણ હું મુંબઈથી આવ્યો કે તરત સતામણી આરંભી હતી. દૂધ લાવવા ના પાડી હતી તેથી દરરોજ બધાં ઘરનાંને તથા મારે જોઈતું દૂધ લગભગ ૨-૨|| આનાનું હું મારી પાસેથી મગાવતો: આ બધી વાત મનમાં આવી. હૈયું ભરાઈ ગયું. એટલામાં તો મા જમીને આવ્યાં, ને કહે ખાવા ચાલ. મેં ખાવાની ના પાડી, તે પરથી તેણે જેટલા બોલવાના હતા તેટલા બોલ કહ્યા; છેવટમાં કહે કે 'હજુ પણ ક્યાં સુધી દુઃખ દઈશ, આજે બબે વર્ષથી હેરાન કરે છે, હવે તો નીકાલ કર'. મેં કહ્યું કે 'એ વાત ઈશ્વરને હાથ છે, પણ મારાથી જે થશે તે કરીશ.' તો

૧૦૩