આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨. શાળા, શેરી અને સોબત

સંવત ૧૯૧૪ના ભાદ્રપદ કૃષ્ણ પક્ષની ચતુર્થીને દિવસ મારો જન્મ પ્રાતઃકાલ લગભગ મારા મોસાળમાં થયો એવી મને ખબર છે. મારા પિતાએ કોઈ પ્રકારની નોકરીચાકરી કરી નથી. તેમના પિતાનો આપેલો રોજગાર તેમણે વધાર્યો તથા વ્યાજે રૂપૈયા આપી વહેપાર શુરૂ કર્યો. તેમાં પ્રાપ્તિ સારી થઈ. પારકા રૂપૈયા થોડે વ્યાજે રાખી બીજાને વધારે વ્યાજે આપવા એમ પણ કરતા. હું નોકરીચાકરીથી કમાતો થયો તે વખતે –આવી ગયેલાં સર્વ ખર્ચ જતાં - અમારા ઘરમાં ૪-૫ હજારની પુંજી ચોપડા પરથી માલુમ પડતી. આ પ્રમાણે અવસ્થા હોવાથી મારૂં પાલનપોષણ બહુ સારી રીતે થતું, ને તેમાં પણ મારા મોસાળ પક્ષમાં મારા ઉપર હેતનો ને લાડનો વરસાદ વરસતો. મારી છેક ૧૩–૧૪ વર્ષની ઉંમર કે જે વેળા મારાં માનાં મા ગુજરી ગયાં, ત્યાં સુધી હું ઘણોખરો મોસાળમાં જ રહેતો. બાલપણની વાત મને સ્મરણ રહેવી મુશ્કેલ છે એટલે જે જે વાત યાદ છે તેટલીની નોંધ આપું છું પણ પ્રથમનાં ૪–૫ વર્ષની વાતનો હીસાબ તો મારા મનમાં ન જ હોય એ સ્વાભાવિક છે.

મને આશરે ૪ વર્ષની ઉમરે દયાશંકર પંડ્યાની ગામઠી નિશાળે મુકેલો એમ મને યાદ છે. ત્યાં હું ભણી શક્યો નહિ. થોડું લખતાં વાંચતાં ને સાધારણ રીતે આંક આવડ્યા પછી આશરે ૭ વર્ષની ઉમરે મને જનોઈ દીધા પછી સરકારી ગુજરાતી નિશાળમાં મુક્યો. ત્યાં પણ મારો અભ્યાસ સારો થયો નહિ. તેમાં હીસાબ તો મને એવા ન આવડે કે તે વખત આવે તેવામાં ગમે તે રીતે મને ગેરહાજર રહેવાનું મન થયા વિના રહે નહિ. આ બધામાં યાદ રાખવા જેવું છે કે મારી સંભાળ લેનાર કોઈ ન હતું. મારા પિતાને નવી કેળવણીની રૂઢિ બીલકુલ ખબર નહિ એટલે તેમના તરફની મદદ ન હતી; તેમ તેમનો મને ભણાવવાનો આગ્રહ પણ ન હતો. ફક્ત મોટા થતા સુધી સ્કુલમાં રાખી પછી પોતાને ધંધે વળગાડવો એમ તેમની મરજી હતી. મારો અભ્યાસ પાંચમી ચોપડી જેટલો થતાની સાથે મારે અંગ્રેજી નિશાળમાં જવું