આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૩૬
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

ગયા. સોમવારે સવારે તે લોકોએ માજીસ્ત્રેટ રાવસાહેબ માધવરામ હરિનારાયણને અરજી આપી કે અમારી દીકરીને બળાત્કારથી તેનો ધણી પકડી ગયો છે ને ગેરકાયદેસર કેદ રાખે છે, તથા મારીને ગુનો કબુલ કરાવે છે. એ વાત મારા જાણવામાં ન હતી, પણ મેં પોતે પણ માજીસ્ત્રેટને એક ચીઠી લખી હતી કે આવું આવું તોફાન બદમાશોએ મારા ઘર આગળ કર્યું હતું તેવું હવેથી ન થાય તે માટે આપ પોલીસને ચેતવણી આપશો. માજીસ્ત્રેટ આ ચીઠીને લીધે વાકેફ થયેલા હતા એટલે તેમણે અરજી આવતાંની સાથે જ અરજદારોને બહુ બહુ રીતે સમજુત આપી અને તેમની છોકરી જેને કદી સાસરે જવાની આશા ન હતી તેને જવાવારો આવ્યો છે તે બહુ સારી વાત છે એમ સમજાવી અરજી કાઢી નાખી. આ હકીકત મને માજીસ્ત્રેટે પોતે જ તા. ૨૦મીની સવારમાં કહી હતી. એ રાંડને કેદ કરી નથી, તથા મારી કે મારતા નથી, એ વાતની સાબીતી માટે તા. ૭-૮-૯-૧૦ બધા દિવસ મારે ઘેર હરદમ માણસો આવતાં હતાં તે સાક્ષી છે, એટલું જ નહિ પણ એવામાં જ મારા પિતાનો માશિયો હતો તે વખતે પણ આશરે ત્રીસેક માણસ પ્રત્યક્ષ કે રાંડની સ્થિતિ જોનારા હતા. ગામના સરકારી દાક્તર રામસિંગને બોલાવી ચાર આબરૂદાર ગૃહસ્થોની રૂબરૂ પણ મેં રાંડને ખડી કરી હતી કે તેઓ માર્યાનું કે ભુખે માર્યાનું નક્કી કરી શકે. વળી એ રાંડને અમે બીજું પણ કહ્યું હતું કે તને અહીં જો તારી સાસુની અડચણ હોય તો નવા ઘરમાં જુદી રહે, ત્યાં રોટલો ખા, પણ તોફાન જવા દે – આવા ઈરાદાથી રણછોડલાલવાળી ઓરડી રસોડું કરવા માટે ખાલી પણ કરાવી, ને ડાહી, રણછોડલાલ, હું, મારાં માતુશ્રી સર્વે એ વાત કહેતાં હતાં પણ રાંડ સ્પષ્ટ ના પાડતી હતી.

આ પ્રમાણે હકીકત ચાલતી હતી. એવામાં ઘણું કરીને તા. ૧૧મીએ - બપોરે એ રાંડ મારા જુના ઘરના પાછળના બારણા તરફ ગઈ, અને ત્યાં જે તાળુ, એ રાંડ હોય ત્યારે અથવા ન હોય ત્યારે પણ હંમેશાં રહે છે તેને તોડી નાખી નાશી ગઈ. ગામમાં હાહાકાર થઈ ગયો, ને છીનાળ કોઈ દિવસ ઘર ન માંડે એ વાતની સર્વને ખાતરી થઈ. હવેથી એ રાંડને કોઈ દિવસ મારો સ્પર્શ થવાનો નથી, એ રાંડનો પડછાયો પણ મારા ઉપર જોયતો નથી. મારૂં જે છેલ્લામાં છેલ્લું કર્તવ્ય હતું તે મેં કર્યું: તે કરવામાં મને કેટલો ખેદ થયો હશે, મારે કેટલી અમર્યાદા કરવી પડશે, મારા મનને શું થયું હશે, તે જુદી વાત છે, પણ મેં એક ઉખડી ગયેલી છીનાળ વેશ્યા ખુલ્લી રીતે