આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ડાયરી
૧૭૭
 

અને તે સલાહને આ ઘાતકી લુચ્ચાએ કાંઈક ગ્રહણ પણ કરી. આવી બધી વાતો મારા લક્ષમાં આવતી હતી. તેથી હવે એની રાખને સમજાવી મેં એની પરણેત સ્ત્રીને વડોદરે તેડાવરાવી કેમકે એ સ્ત્રીએ આજ વર્ષ દિવસથી અનેક ચાળા કરવા માંડ્યા હતા, મારી સાથે સંબંધ નથી રાખવો એવી હઠ લઈ છોટુના બાપના પક્ષમાં ભળી હતી. તેથી એ સ્ત્રી કે જેને માટે હું આટલું બધું કરતો હતો તેની અતિશય પાપિષ્ઠ નીમકહરામી મને સમજાઈ હતી, અને તેના આવવાથી બધી ગુંચવણનો કાંઈક નીકાલ થશે એમ હું ધારતો હતો. તે આવી, તેને તેડવા મારો માણસ સ્ટેશને ગયો, પૈસા ગાડીભાડાના તે પણ મારા જ વપરાયા, છતાં તે રાંડ મારે ઘેર ન આવતાં પોતાનું ઘર ઉઘાડી ત્યાં બેઠી, અને છોટુએ તેડવા મોકલ્યું કે હું તો અહીં રહું છું માટે અહીં આવે તો પણ તેણે બેશરમ અને નીમકહરામ થઈ કહાવ્યું કે મણિલાલને ઘેર આવનાર નથી, મને મારા સસરાએ મના કરી છે. છોટુ એ રાંડને પડતા મૂકી પોતાને ઘેર ગયો નહિ, રાંડ બેએક દિવસ ભુખે પણ મરી, વળી પાછી મારે ઘેર આવી, ખાઈને જતી રહી. એમ ખાઈ જાય ખરી પણ રાતદહાડો ઘર બહાર ને લોકો આગળ નિંદા કરતી ફરે એ કામ તે લેઈ બેઠી. આ અરસામાં મારે એક રાત નડીયાદ જવું પડ્યું. તે લાગ સાધીને છોટુ એની રાખ ને એની વહૂ ત્રણે મળી સત્યનારાયણની કથા કરાવી, અને ઘર મારૂં, સામાન મારો, નોકર મારા, છતાં મારી ગેરહાજરી ઇચ્છી તે જ લાગ સાધી, કથા કરાવીને ઉજાણી કરી તથા તેમાં બેત્રણ પોતાની ઓળખીતી કોઈ વંઠેલ રાંડો ને તેમના યારને પણ જમવા તેડ્યા. એ લોકોએ ધાર્યું હતું કે હું એક દિવસ પછી આવીશ, પણ હું જે રાતે ઉજાણી થઈ તે જ રાતે વડોદરે પાછો આવ્યો તેથી એઠવાડો દેખતાં બધું સમજાયું. માણસોને પણ એવા ફોડેલા કે તે લોકો કશી વાત માને નહિ; પણ બીજી પૂછપરછથી બધી વાત ખુલ્લી થઈ ગઈ. આ ઉપરથી મારા મનને અત્યંત માઠું લાગ્યું કે જે લોકો હજી દવા, લુગડાં, ધાન, ને મકાન બધું મારૂં વાપરે છે તે ત્રણે જ મારી ગેરહાજરી ઇચ્છી ને તે પ્રસંગે ઉજાણી કરી ! છોટુની સ્ત્રી તો થાકીને નડીયાદ પાછી જતી રહી. પણ જતાં પહેલાં તેણે તેના સસરાને હકીકત લખી હોવી જોઈએ, જેથી તે વડોદરે આવ્યો. તે છોટુને ઘેર રહ્યો અને છોટુએ ત્યાં રહેવા માંડ્યું ને પોતાની રાખને મારે ઘેર મૂકી. આ વાત મને બીલકુલ પસંદ ન પડી, કેમકે રાતમાં પોતાનો બાપ ઘરમાં સુતેલો છતાં, તે ઘરને બહારથી તાળુ મારી એ કુપુત્ર પોતાની રાંડ પાસે સુવા મારા ઘરમાં આવવા લાગ્યો. આટલે

મ.ન.દ્વિ-૧૨