આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦
મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત
 

એક બીજી વાત મને માલુમ પડી આવી. હું આખી મેટ્રીક્યુલેશનમાં બીજે નંબરે પાસ થયો હતો તેથી પ્રાગમલજી સ્કોલરશિપ રૂ. ૧૫) દર માસની, ને ત્રણ વર્ષ ગમે તે કોલેજમાં ચાલવાની તે પર મારો હક હતો. પણ કહાનદાસ સ્કોલરશિપ ગુજરાતના છોકરામાં પ્રથમ હોય તેને આપવાની તે જ મને મળી ને તે મને અપાયેલી કેમકે તે રૂ. ૨૦)ની હતી. યુનિવર્સિટીનો નિયમ છે કે કોઈને બે સ્કોલરશિપ ન આપવી એટલે મને પ્રાગમલજી સ્કોલરશિપ ના મળી. આમ મારે રૂ. ૨૦) જે આખા વર્ષના ૨૪૦ થાય તેનું રાજીનામું આપવું પડયું અને રૂ. ૧૫) જે ત્રણ વર્ષના ૫૪૦ થાય તે ગુમાવ્યા તેથી રૂ. ૭૮૦નું અથવા વાસ્તવિક રીતે રૂ. ૫૪૦નું નુકસાન થઈ બેઠું. એ નિયમ પણ આ જ વખતથી થયો કે જેને કહાનદાસ સ્કોલરશિપ લેવી હોય તેણે પ્રથમ અરજી કરવી. આ પ્રમાણે મેં મારો કોલેજનો અભ્યાસ આરંભ્યો, અને ઘર તજી નવી દુનીયાંમાં પ્રવેશ કર્યો. આ વેળે મારૂં વય માત્ર ૧૮ વર્ષનું હતું. આ ઠામે મારા વૃત્તાન્તનું પ્રથમ પ્રકરણ પૂરૂં થાય છે.