આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉચ્ચ અભ્યાસ
૩૫
 

અપાવી વગેરે પ્રણિપત કરાવી. મારી સ્ત્રી વળી મારે ઘેર આવતી જતી થઈ, પણ તેમાં મને કાંઈ આનંદ પડ્યો નહિ. તેણે તેની જુદી જુદી ટેવો મૂકી નહિ. એ કહેવાનું રહી ગયું કે મારા આપ્ત મંડળમાં આ વેળે બે માણસ ભળ્યાં. આ ગામના વાણીયા સાંકળચંદ મગનલાલ બાળાશંકરને ત્યાં જતા ને તેના પાકા પ્રેમમાં પડેલા હતા, તેમને મારો સ્નેહ કરવાનું મન થવાથી તે મને આ પ્રસંગે મળ્યા. મારું દિલ પ્રેમ સંબંધમાં કેવલ ઉદાસીન થઈ ગયેલું હોવાથી તે જેવો ને જેવી રીતે સ્નેહ મને બતાવતો તેવો ને તેવી રીતનો સ્નેહ મને તુચ્છ લાગતો. એટલે પૂર્ણ વિશ્વાસયુક્ત સંબંધ થતાં એકાદ વર્ષ વાર લાગી પણ પરિણામે તે મારા મિત્રમંડળમાં ગણાયો. મારી નાતનો છોટાલાલ વજુભાઈ નામનો વર્ષ ૧૯-૨૦ની વયનો છોકરો શાળામાં ભણતો તે પહેલાં કોઈ કોઈવાર બાળાશંકર, મોહનલાલ વગેરેની સાથે મારે ઘેર આવતો તેનો પણ પણ કાંઈ અવર જવર આ પ્રસંગે વિશેષ થયો ને પરિણામ તે (નાની વયનો હોવાના કારણથી) મારા મિત્રમાં તો નહિ પણ મારા એક રીતિના પ્રિય ભક્તમાં ગણાયો.

૧૮૮૦ના નવેમ્બર ડિસંબર ને જાનેવારીમાં મને એવો સખ્ત તાવ આવેલો કે આશા પણ ન હતી. એ મટવાના વખતમાં ખબર મળી કે મુંબઈની ગુજરાતી નિશાળોના ડેપ્યુટી ઇન્સ્પેક્ટરની જગો ખાલી પડી છે. મેં તે માટે ડાયરેક્ટરને અરજી કરી તેનો જવાબ મને કાંઈક આશા ભરેલો મળ્યો. પણ તે પછી બે ત્રણ માસ મેં કાંઈ સાંભળ્યું નહિ, ને વિવિધ ગપો સાંભળવા માંડી. એવામાં જેણે મને જગો આપેલી તે ઈન્સ્પેક્ટરને બદલે નવા આવેલ ઇન્સ્પેક્ટરે, અમદાવાદની હાઈસ્કૂલમાં કોઈ નવા જ ગ્રેજ્યુએટને રૂ. ૮૦-ની કાયમ જગો આપવા ધાર્યું છે એમ મેં સાંભળ્યું. હું હજુ એક્ટીંગ હતો તેને કાયમ કર્યો નથી તો પગાર વધારવાની તો વાત ક્યાં, છતાં નવા માણસને કાયમ જગો આપવી એ ગેરવાજબી ધારી મેં ડાયરેક્ટરને ફરીયાદ કરી. એના જવાબમાં મને કાંઈક ઠપકો મળ્યો. પણ એમ જણાવવામાં આવ્યું કે મુંબઈની જગો માટે તમારી ભલામણ હું સરકારમાં કરી ચૂક્યો છું એ જાણી તમે સંતોષ માનશો. આમ થયા પછી ૧૮૮૧ના માર્ચ માસની આશરે ૨૦મી તારીખ પછી મેં મુંબઈ જઈ ત્યાંના ડેપ્યુટી ઇન્સ્પેકટરની જગો (રૂ. ૭૫ પગાર + ૨૫ કાયમ ભાથું)નો ચાર્જ લીધો. આ સ્થળે મારા વૃત્તાન્તનું બીજું પ્રકરણ પુરૂં થયું મનાય. આ વખતે નડીઆદમાં મારૂં નવું ઘર બાંધવા માંડેલું તે પુરૂં થવા આવ્યું હતું.