આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૪૧
 

એકાદ બે માસમાં તમામનો નીકાલ આણ્યો. એ ભાષાન્તરને પણ ઘણાએ વખાણ્યું. રા. નવલરામે એ ભાષાન્તરની ઢબને એવી રીતે વખાણી કે આજ સુધીમાં ગુજરાતીમાં થયેલાં સંસ્કૃત ભાષાન્તરમાં આ શ્રેષ્ઠ છે, અને હવે કરનાર આમાંના નિયમે ચાલે તો બહુ સારું છે. રા. રા. નરસિંગરાવ ભોળાનાથ બી.એ. મારા સહાધ્યાયીએ આ ભાષાન્તર પર ઘણું વિદ્વતાભરેલું વિવેચન કર્યું છે, તેમાં તેમને જણાયેલા ગુણદોષનું તેમણે વિવેચન કરેલું છે ને આખરે એટલે સુધી જણાવ્યું છે કે ભાષાન્તરમાં કોઈ કોઈ સ્થલે તો મૂળ કવિ કરતાં પણ વધારે ખુબી આવી છે. આ ગ્રંથની ખપત બહુ સારી થઈ હતી ને તેમાં મને બે પૈસા મળ્યા હતા. આવા પ્રસંગે હું મુંબઈ ગુજરાતી ગ્રેજ્યુએટોની એક મંડળી "Gujarati Social Union" એ નામની હતી તેનો મેંબર થયો ત્યાં બોલવા ચાલવા તથા તકરાર વગેરે કરવાની ઘણી મઝા પડતી. એક પ્રસંગ મને યાદ છે જે વેળે પુનર્લગ્નની વાત એક કલાક ચર્ચવા માટે ઉઠાવવામાં આવી હતી, ને સર્વના સમજવામાં એમ હતું કે બધા એકમત જ હશે. હું તેમાં સામો થયો. ને તકરારે એવું સ્વરૂપ પકડ્યું કે એક કલાકને બદલે એક માસ સુધી ચાલી અને બંને પક્ષમાંથી કોઈ હાર્યું નહિ તેથી પરિણામે માંડી વાળીને એક બે ગૃહસ્થો પરિણામમાં ઉલટા મારા મતને મળતા થયા. આ પ્રસંગે વિષયનો જે વિચાર કરવો પડેલો તે બીજમાંથી જ આખરે મેં "નારીપ્રતિષ્ઠા"નું પુસ્તક લખ્યું છે તે પેદા થયું છે. પણ આ મંડળનો મારા ઉપર ખરો ઉપકાર બીજી રીતિનો છે. એક મેમ્બરને પ્રસિદ્ધ 'મેસ્મેરિઝમ' પ્રયોગ માલુમ હોવાથી તેણે કાંઈ ઓષધાદિક વિના ફક્ત હાથના ફેરવવાથી એક માણસને અમારી સમક્ષ બેશુદ્ધ બનાવી દીધો. આ બે માણસોની કાંઈ મસલહત હોવી જોઈએ એવો તર્ક બાંધીને મેં એ વાત ઉડાવી નાંખવાની મેહેનત કરી. પણ મારા મનમાં એ વિષે વિચાર ઘણો થતાં મેં એમ કરનારને પુછવા માંડ્યું. તેણે મને એ જ વિદ્યા શીખવી. મેં મારી મેળે પણ એ સંબંધના ઘણા ગ્રંથ વાંચવા માંડ્યા ને સારી માહીતી મેળવી. આ વિદ્યાની અજમાયસમાં ખરાં પરિણામ જોવા માટે અજમાવનારની યોગ્યતા કરતાં પણ જેના પર અજમાવવાનું હોય તે વધારે યોગ્યતાવાળું હોવું જોઈએ છીએ. કાકતાલીય એવું બન્યું કે આવી સર્વ યોગ્યતાયુક્ત મને તો મારા ચતુરભાઈ જ માલુમ પડ્યા, ને મેં તેમના પ[ર] પ્રયોગ ચલાવવા માંડ્યા. તેની પૂર્ણ બેશુદ્ધિ, તેણે કરેલી ગુપ્ત વાતો, તે ન જાણતો હોય તેવા લખેલા કાગળીયાની બીના પણ કહેવી, મુઠીમાં ઘાલેલી જણસો ઓળખવી, દૂર દેશનાં