આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૪૮
મ.ન.દ્વિ.નું આત્મવૃતાન્ત
 

આવ્યું કે વખતે હું નિશાળોનો ઉપરી છું તેથી લોકો મારી ચોપડી લેવાના સમજીને મેં ચોપડી છપાવી છે એવું હવે મારું નામ બહાર આવ્યાથી (મૂલ ચોપડી પર મેં મારૂં નામ આપ્યું ન હતું, તેમ કોઈ જાણતું પણ ન હતું) લોક ધારવાના એમ સમજી મેં એ ચોપડી ફરી છપાવી નહિ.

આ રીતે ઓફીસનું કામ તથા અભ્યાસમાંથી વધેલો વખત હું બીજાં સાર્વજનિક કામોમાં ભાગ લેવામાં ગાળતો. Teachers' Association, Theosophecal Society અને Gujarati Social Union આ ત્રણ કામમાં ભળ્યાની વાત તો આગળ આવી ગઈ છે. મુંબઈમાં અસલ 'બુદ્ધિવર્ધક સભા' હતી તેનાં ભવ્ય કામોની વાત સર્વના જાણ્યામાં છે. આ સભા હાલ સુઈ ગયેલી હતી. એના મંત્રીનું કામ કરવા હું બંધાઉં તો એને પુનરુજ્જીવન કરવા રા. રા. મનઃસુખરામભાઈએ મને આગ્રહ કર્યો. મેં સ્વીકાર કર્યાથી સભા ચાલી ને તેમાં ભાષણો વગેરે થતાં. ત્યાં લોક પણ સંભાવિત તથા ઘણા મળતા. એ મુજબ એક વર્ષ ચાલ્યું તેમાં મને બોલવા કરવાના પ્રસંગો સારા મળતા અને તે દ્વારા મારા વિષે લોકોને જાણ પાડવાનો પણ લાભ મળતો. કવિ નર્મદાશંકરનું મને એ સભામાંથી ઓળખાણ થયું. તેમને અને એક કલ્યાણજી નારણજી નામના માણસને સભામાં જાહેર લડાઈ થઈ તે દિવસથી વળી સભા નરમ થઈ. મેં જ્યાં ત્યાં ચલાવ્યું પણ વ્યર્થ. ફક્ત સભાની જે પુંજી હતી તે સચવાઈ રહી. મેં મુંબઈ મુક્યું ત્યારે તે રૂપૈયા તથા સભા ગુજરાતીના એડિટર ઇચ્છારામને મંત્રી બનાવી સોંપ્યાં. એ સિવાય મારો રા. ગોકળદાસ કહાનદાસ, ભીમભાઈ કીરપારામ, તથા રા. ઝવેરલાલ ઉમયાશંકર, ભાઈશંકર નાનાભાઈ વગેરે ઘણા ગૃહસ્થોનો પરિચય થયો. રા. રા. રણછોડભાઈ તો રા. રા. મનઃસુખરામભાઈને લીધે મારા પાકા સ્નેહી રહ્યા હતા ને તેમનો ને મારો સંબંધ સારો હતો. આ સર્વ ગૃહસ્થો ગોકળદાસ તેજપાળ ધર્મખાતાની કમીટીમાં હતા તેમાં હું પણ ઉપયોગી થઈ પડીશ એમ સમજી તેમણે મને લીધો; ને થોડે વખતે મને માલુમ ન હતું પણ તેમણે મને મેનેજીંગ કમીટીમાં પણ નાંખ્યો. મેં તે સ્વીકાર્યું. એ ફંડ તરફથી Boarding School તથા બીજી બાબતો બરાબર સ્થપાઈ ચાલવા માંડી તે તે જ વખતથી. અમે સર્વે મળી કાયદા બનાવ્યા તથા વ્યવસ્થા કરી ખાતાં નિશાળો ચાલતાં કર્યાં. એક દિવસે ત્યાં બનેલો પ્રસંગ નોંધવા લાયક છે. આ ખાતાના સેક્રેટરી નર્મદાશંકર કવિ હતા. એમનો પગાર રૂ. ૨૦૦)નો કરવાની દરખાસ્ત આવવાની હતી. તે દિવસે મળેલી મેનેજીંગ કમીટીમાં પ્રમુખ