આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ઉત્કર્ષ
૫૧
 

વર્ષમાં મને ખુબ મળ્યો. આ સર્વેમાં ખરા મિત્ર તરીકેનો મારો હક તો મોહનલાલ ને ચતુરભાઈ ઉપર જ હતો. દલાભાઈ મારી પૂર્ણ મરજી સંપાદન કરી મારા હૃદયમાં દઢ થયા હતા; બાકીના તો સાધારણ સંબંધી માત્ર જ હતા. મોહનલાલ અને ચતુરભાઈને પૂર્ણ સ્વરૂપે મેં આ ચાર વર્ષમાં ઓળખ્યા. મોહનલાલની પ્રકૃતિ સહજ હુંપદવાળી તથા ઘણી કંજુસ અને દરેક બાબતમાં સંકોચથી વર્તવાવાળી હતી. તેના મનમાં ખરો પ્રેમભાવ કોઈને માટે પ્રકટ થાય એમ દીસતું જ ન હતું; સબબ ખરા પ્રેમમાં જે (sacrifice) આત્મત્યાગ કરવાની જરૂર પડે છે તે કરવામાં તેની સ્વાર્થબુદ્ધિ નિરંતર આડે આવતી. ચતુરભાઈનું ચિત્ત પ્રેમની લાગણીને પ્રવેશ આપી શકે તેવું ખરું, પણ તેનો વ્યવહાર ઘણો અનિયમિત અને લેવડદેવડની બાબતમાં ઘણા જ લોચા વાળનારો તે માણસ ઠર્યો. વળી કાંઈ પણ કામ કરવામાં તરહવાર સંકલનાઓ મનમાં બેસાડી તે માર્ગે મહેનત કર્યા કરે ને આપણને પણ ભુલાવામાં પાડી દે તેવી ટેવનો પણ અંશ તેનામાં ખરો. આમ છતાં મુંબઈમાં તો તેમની મારા પર આસક્તિ ઠીક રહી ને હું આટલે બધે અંશે તેમને કળી શક્યો ન હતો. જો કે મને સખ્ત મંદવાડ વર્ષ દોઢ વર્ષ રહ્યો તે દરમ્યાન તેઓ ટગરટગર જોયા કરતા ને એક તૃણ ભાંગવા સરખી પણ મદદ ન કરતા – અરે, હું ચુંક કે તાવ આવીને તરફડતો હોઉં, પાસે કોઈ બીજું હોય નહિ – તો પણ આ બે ગૃહસ્થો એમના સ્વાર્થની તુચ્છ જેવી વાત (કોઈને ત્યાં ભણાવવાનું રાખ્યું હોય ત્યાં જવું તે) સંપાદન કરવા મને મુકી ચાલ્યા જતા ! આવા પ્રસંગોમાંથી જ મને તેમની સ્વાર્થ-બુદ્ધિની કીમત થયેલી. એ બન્ને સામાન્ય રીતે પ્રમાણિક વિચારવાળા તથા વ્યવહાર-પક્ષે ઠીક નીવડે તેવા માણસો હતા, પણ મારું જે આ તેમને વિષે લખાણ થાય છે તે તેમના ને મારા પ્રેમસંબંધને ઉદેશીને. એમના વિષે મને આવો વિચાર થવા માંડેલો તેવામાં દલાભાઈ — જેને ને મારે કાંઈ ઓળખાણ નહિ, માત્ર તે મોહનલાલ ચતુરભાઈ ભેગો રહે એટલું જ – એણે મારી ખરો મારો મિત્ર બજાવે તેવી, સેવા બજાવી. તે ઘણો ગરીબ અને દેવાદાર તથા પૈસાની પુરી ગરજવાળો માણસ છતાં પણ તેણે કદાપિ મારું કામ કરતાં દિલ ચોર્યું નથી કે પોતાના સ્વાર્થની સો વાત બગડતી હશે તો તે તરફ લક્ષ આપ્યું નથી. તે માણસ વચનનો એક હતો, વ્યવહારે ચોખો અને મળ્યાને માથું આપે તેવો હતો. મારા સખ્ત મંદવાડમાં જો તે ન હોત તો હું કોણ જાણે કેવીએ વિટંબણામાં પડ્યો હોત તે ઈશ્વર જાણે. મારે તેને બીજો કાંઈ સ્નેહ નહિ છતાં આ માણસ તેના ગુણથી