આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૪ મ.ન.દ્વિ.નું આત્મવૃત્તાન્ત

જો ના હોત તો મારી શી અવસ્થા થાત તે હું જાણતો નથી. દાક્તરો વગેરેની દવા કરતાં ૬-૭ દિવસે જરા ખીચડી ખવાતી થઈ, પણ એક માસ ગાળ્યા છતાં સારો આરામ ન થયો. વળી નડીયાદ તરફ એક વૈદની ભાળ લાગતાં હું નડીયાદ ગયો ને ત્યાં માર્ચ મહીનામાં મને આરામ પડ્યો; પણ નાકમાં જરા છોડ બાજતું રહ્યું, તથા બોલવાની વાત ઘણી બગડી ગઈ. આ અરસામાં મારા મિત્ર ગોપાળદાસની મદદ ઘણી અમુલ્ય હતી. તે ઘણો પરાધીન હોવાથી યથેચ્છ આવી જઈ શકતો નહિ પણ તેણે મને જે દીલાસો ને મદદ આપી તે અમુલ્ય હતી. તેણે મારો મંદવાડ સાંભળતાં જ ઘણી ધીરજ આપી તથા મારાં માતુશ્રી વગેરેને ધીરજ આપવા મારા ને તેના જે સમાન મિત્ર હતા. તેમને લખ્યું. મારામાં તો કાંઈક અલૌકિક ધીરજ આવ્યું હતું ને હું કશાથી ડરતો ન હતો; મને ગોપાળદાસે પુછ્યું કે તને દલગીરી થાય છે તેનો મેં એ જ જવાબ આપ્યો કે "અરે જો હું જીવ્યો તો બરાબર બોલાય નહિ તેવી અવસ્થામાં પ્રોફેસરની નોકરી કરી શકવાનો નહિ, ને મારે જેની પાસે ન માગવું એવો ટેક હતો તેની પાસે માગવા જવું પડવાનું. મુવો તો અરે, મારો નાનો ભાઈ, મારાં માબાપ જેની સર્વ આશા મારા પર છે તે શું કરશે! પણ હરિ ઈચ્છા." તેમણે આના ઉત્તરમાં મારાં માબાપને કદાપિ દુઃખી ન થવા દેવા વચન આપ્યું અને મારે માટે તરત જ રા. મનઃસુખરામભાઈ તરફ કચ્છમાં ઈન્સ્પેક્ટરની જગો ખાલી હતી, તેમાં ઝાઝું બોલવાની જરૂર ન હતી તે ન પુરવાની ભલામણ કરી. રા. મનઃસુખરામભાઈએ પણ તેમનું મુરબીપણું બજાવી મને વારંવાર દીલાસો આપવામાં, વૈદ્ય વગેરે શોધી લાવવામાં, તથા હું મુંબઈ ગયો ત્યારે જાતે મારી નોકરીમાં અડચણ નહિ થાય વગેરે દીલાસો આપવામાં કાંઈ કસર રાખી નથી. મને આ અરસામાં લગભગ રૂ. ૫૦૦) ખર્ચ થઈ ગયો, ને આ મંદવાડ પેટે મૂળથી ગણું તો લગભગ ૨૦૦૦) રૂપૈયા નીકળી ગયા હશે. બોલો વાંચનાર ! ભાવનગર આવતાં ખાંડ ભરેલી બરણી ફુટી ગઈ તે શકુનનો કાંઈ ભાવ થયો? માદળીયાં ખોવાયાનું કાંઈ સમજાયું? મારી સ્ત્રી પક્ષે પણ પેલા સર્પદર્શનનો કાંઈ નિર્ણય થયો? આ વાત એટલા માટે યાદ દેવરાવું છું કે મારી જન્મકુંડલીમાં પણ ૨૨ વર્ષ શુક્રની દશા હતી તે બાવીશમેં વર્ષે નોકરી આપવતા સુધી આનંદ કરાવી ગઈ. પછી સૂર્યની ૭ વર્ષની હતી તે પૈસે લાભ કરી ખર્ચાવનારી તથા મહાવિકટ ને શરીરને કષ્ટ કરાવનારી હતી તેમાં છેલ્લા વર્ષમાં એટલે ૧૯૪૩ના જેઠ સુધીમાં તો મારું મૃત્યુ થવા જેવો મંદવાડ થાય તેવો યોગ હતો એ બધાનો પણ કાંઈ ભાવ ભજવાયો !