આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૮૬
મ. ન. દ્વિનું આત્મવૃત્તાન્ત
 

મારી માંદગી થતાં જ સમયસૂચકતા વાપરી આપે ખાલી રખાવી છે તે માટે મારો બંદોબસ્ત કરવા કૃપા કરવી. તેમણે આ વાત સ્વીકારી ત્યાંના મુખ્ય દીવાન તરફ લખેલું છે તેમાં પણ જે બને તે હરિ ઇચ્છા.

આ પ્રમાણે મેં મૂળ કરેલી પ્રતિજ્ઞા પર્યત આ હેવાલ આણ્યો છે ને આજે તા. ૧લી જુન ૧૮૮૭ને રોજ તે બંધ કરૂં છું; તે દિવસ સુધીની બીના ઉપરના હેવાલમાં આવી ગઈ છે. આજ પછી હંમેશાં એક નોંધની ચોપડી રાખી તેમાં મુખ્ય વાતો લખવામાં આવશે. ધર્મનાં નિત્યકર્મ, દેહકર્મ, તથા નોકરીચાકરીનાં ને ખાનગી અભ્યાસનાં નિત્યકર્મની વાત સર્વ કોઈ કલ્પી શકે તેવી છે ને તેમાં નોંધવા જેવું કાંઈ નથી તેથી તે નોંધવામાં આવશે નહિ, પણ જે તારીખે જે કાંઈ સાધારણ વાત કરતાં વિશેષ નવાઈવાળો કે જાણવા જેવો બનાવ બનશે તે નોંધી રાખવામાં આવશે. મારી રીતભાત, ચાલચલગત, વાતવિચાર, કે સ્વભાવ વિષે મારે લખવાનું કાંઈ નથી, જે જે વાતો છે તે અત્રે લખી છે, જેને જે ફાવે તે વિચાર બાંધો, પણ આ લખવાનો મુખ્ય હેતુ મારા મનમાં તો સ્વાત્મનિરીક્ષણ વિના બીજો નથી – એમ નિરીક્ષા કરતાં હું ઘણે દરજજે આગળ આવ્યો છું એમ મને જણાય છે; ને તેના પ્રથમ ફલ તરીકે થોડા વખતથી મનમાં ઠસેલો ઠરાવ આજે જ નક્કી કરી અને અત્રે લખી રાખું છું. મારે કોઈ પ્રેમાશ્રય નથી એ96 હું એક કરતાં વધારે વાર કહી ગયો છું. તેવું શોધવાની પણ ઈચ્છા નકામી છે કેમકે મળવાનું નથી. વિષયવાસના માત્રની વાત ત્યારે રહી. તે તૃપ્ત કરવાને પણ મારી સ્ત્રી હું રાખી શકતો નથી. ઈતર સ્ત્રીઓ ખોળવાથી મળે તેમ નથી. આટલું છતાં, હજારો રીતે જ્ઞાનથી વિચાર્યા છતાં મારે હવે એક નાનો સરખો મનોનિગ્રહ, માત્ર એટલો જ કે સ્ત્રીનો વિચાર પણ ન આવવા દેવો એટલો કાં ન બનાવવો? નહિ કે અશક્તિમાનુ ભવેત્ સાધુ તેવી વાત છે. એ જ ...ની વહુ જેવી છે તેવી મને પસંદ હોય તો તે મારે માટે અદ્યાપિ રડ્યા કરે છે, મુંબઈમાં એ વિના પૂર્વે સંબંધ થયેલો તે પારસણ હંમેશાં બોલાવે છે, અત્રે મારી માસીજી તૈયાર જ છે. બાળાશંકરની વહુ પણ મળે તેમ છે, તેમ પ્રયત્ન કરતાં બીજી કોઈ સ્ત્રી પણ અત્રે સહજ પ્રાપ્ત થાય તેવાં સાધન છે. પણ મુખ્ય વાતે પ્રેમ છે, વિષયવાસના ગૌણ છે. મુખ્ય વાત ન મળે તો ગૌણ વાત મળે. જખ મારવાનું બીલકુલ મન નથી. માટે આ નિશ્ચય ઠરાવ્યો છે. આવા નિશ્ચય આગળ ઘણી વાર કરેલા છે, પણ મળ્યા નથી છતાં આ વખતના નિશ્ચયનું શું થાય છે તે હવે જણાશે.