આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બારણાં પાસે જઈને આડી બેઠી. ત્યાં તો બગલો આવ્યો અને કહે, 'બારણાં ઉઘાડો.'
સોનબાઈ તો કાંઈ બોલી નહિ; પણ સોનબાઈનો છોકરો બોલ્યો :
'બાપા, બાપા !
મામલિયો ડામચિયામાં,
નાનું ગલૂડું ઘંટી હેઠ,
ને મોટું સાવરણીએ.'
બગલો બહારથી કહે, 'સોનબાઈ ! આ છોકરો શું કહે છે ?'
સોનબાઈએ અંદરથી જ કહ્યું : 'એ તો અમસ્તો લવે છે.'
ત્યાં તો છોકરો ફરી બોલ્યો :
'બાપા, બાપા !
મામલિયો ડામચિયામાં,
નાનું ગલૂડું ઘંટી હેઠ,
ને મોટું સાવરણીએ.'