આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૫
પુનર્જન્મ.

વ્યાપી છે. ને તે સદા એક રૂપે જ રહે છે. કેમકે તે જે એક રૂપેજ ન રહેતો હોય, અથવા સમયે સમય વિકાર પામતો હોય, તો જુદી જુદી અવસ્થામાં જુદે જુદે સમયે, એકના એક માણસે કરેલાં કામ તેને પોતાનાં જ કરેલાં રૂપે, સાંભરી શકે નહિ. આ જે સર્વવ્યાપી એકરૂપ જ્ઞાનમય ચેતન આત્મા, તેમાં જડના સંબંધથી વિભાગ થતા હોય એવું લાગે છે, ને તે પ્રત્યેકને જીવ એવું નામ મળે છે. જીવભાવ જે થાય છે તે, હું અને મારૂં એવા જે બે વિચાર પેદા થઈ સર્વત્ર એકરૂપ આત્માપણું અનુભવવા દેતાં નથી, તેથી થાય છે. એ ભાવ પેદા થાય છે તે જડના યોગે પેદા થાય છે, ને એ જડમાં આત્માનું પ્રતિબિંબ પડે છે તેથી એનામાં એવી ચેતન જેવા ધર્મ કરવાની શક્તિ આવે છે. એ શક્તિવાળા જડને અંતઃકરણ કહે છે; તેના બે વિભાગ છે. મન, અને બુદ્ધિ. મનના પણ બે વિભાગ છે: ચિત્ત અને અહંકાર. જેનાથી વસ્તુદર્શન થઈ વિચાર પેદા થાય છે તે મન,જેનાથી દીઠેલા કે વિચારેલા પદાર્થ આ મારું છે, આ અમુક નામ રૂપવાળું છે, એ જે વિચાર કરાય છે તે કરનાર ચિત્ત; જેનાથી આવી એક એક રૂપે નક્કી કરેલી વસ્તુનો કર્તા ભોકતા હું છું એમ વિચાર થાય છે તે અહંકાર, ને એ સર્વમાંથી સાર કે અસારને નિશ્ચય કરી આપણને પ્રવૃત્તિ કરાવે છે તે બુદ્ધિ. જડમાં આત્માના પ્રતિબિંબના યોગે અંતઃકરણ પેદા થાય છે. તે શી રીતે ? જડને ત્રણ ગુણ છે, સત્વ, રજસ્, ને તમસ્. સત્વ છે તે શુદ્ધ અને જ્ઞાન તથા આનંદ પેદા કરનારા છે, રજોગુણ છે તે રકત છે અને લોભ તથા પ્રવૃત્તિ કરાવનાર તથા દુખરૂપ છે, તમોગુણ છે તે શ્યામ છે, અજ્ઞાન અને જડતા આદિનો કરનારો છે. તમો ગુણ અને સત્વ ગુણને, રજોગુણ ચલાવે છે, એટલે તમો ગુણવાળા જડમાંથી આકાશ, તેમાંથી વાયુ, તેમાંથી તેજ, તેમાંથી જલ, ને તેમાંથી પૃથ્વી, એમ પેદા થાય છે. વાયુના પણ પ્રાણ, અપાન, સમાન, ઉદાન, વ્યાન એવા પાંચ પ્રકાર છે. એ પાંચ વાયુથી એક એક શરીરની તેમ આખા વિશ્વની વ્યવસ્થા ચાલે છે. જે પાંચ આકાશાદિ તત્વ છે તેમનામાં થોડો રજોગુણ ને થોડો સત્વ ગુણ હોય છે, તેથી તેમનામાંના રજોગુણમાંથી વાણી, પગ, હાથ ને બે મલદાર એ પાંચ ઈન્દ્રિયોને પ્રવર્તાવનાર શક્તિ પેદા થાય છે, એને કર્મેન્દ્રિયો કહે છે, તેમ તેમનામાંના સત્વગુણમાંથી કાન, ચામડી, આંખો, રસના, ને ઘ્રાણ એટલી ઇન્દ્રિયોને પ્રવર્તાવનાર શક્તિ પેદા થાય છે; એને જ્ઞાનેન્દ્રિયો કહે છે એ પાંચ તત્વનો જે તમોગુણવાળો મહોટો