આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૬
બાલવિલાસ.

ભાગ રહ્યો તેમાંથી એ બધી ઈન્દ્રિયોની શક્તિને કામ કરવાનાં હાડચર્મ રક્ત માંસાદિનાં બનેલાં ઈન્દ્રિય અને અવયવનું શરીર થાય છે. સત્વ ગુણથી જે પાંચ ઈન્દ્રિયશક્તિ કહી તેનુંજ નામ અંત:કરણ કહે છે. પાંચ પ્રકારના પ્રાણ જે કહ્યા છે તે, પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દિયો,અને મન તથા બુદ્ધિ એ બે રૂપી અંતઃકરણ, એને સૂક્ષ્મદેહ કહે છે; અને જે પાંચ તત્વના જડ ભાગથી થાય તેને સ્થુલદેવ કહે છે. જીવ એટલે અંતઃકરણ સહિત આમાં એમ હમણાંજ કહ્યું, પણ જેને સૂક્ષ્મ દેહ કહીએ છીએ, તેજ ખરી રીતે જીવ કહેવાય છે, કેમકે જીવનમાં જે જે કર્મ છે, જ્ઞાન પામવું, ક્રિયા કરવી, વિચાર કરવો, તે બધું તે દેહથી થાય છે. સૂક્ષ્મ દેહ એટલે આપણને જણાય નહિ તેવી રીતે વ્યાપી રહેલો, પણ સર્વ દેહની મુલ છબી હોય તેવો દેહ. જેને આપણે જડ કહીએ છીએ તેને પણ તે હોય છે, પણ તે માણસ કે પશુ પ્રાણીમાં જેવો જાગ્રત હોય છે તેવો નથી હોત.

આ દેહનો આહાર શો હશે ? આહાર વિના દેહ વધી શકતો નથી એ વાત તો જાણીતી છે. આપણો સ્થૂલ દેહ પણ અન્નપાન આદિથી જીવે છે, ત્યારે સૂક્ષ્મ દેહ શા ઉપર ટકતો હશે ? સૂક્ષ્મ દેહ વાસના ઉપર ટકે છે. વાસના એટલે આપણે જે જે કામ કરીએ, જે જે વિચાર કરીએ, જે જે સંગત રાખીએ, જે આહાર ખાઈએ પીએ, તે બધામાંથી જે ગુપ્ત છાપ પડે તે. જેમ આપણે કાંઇક જોઇએ છીએ ત્યારે આપણા મનમાં કશીક છાપ પડે છે, ને તેને જ્યારે ઈચ્છા થાય ત્યારે આપણે જાગતી કરીને ફરી તે જોયેલી વસ્તુનો અનુભવ કરીએ છીએ, તેમ વાસના પણ એવી છાપ છે કે જેને જ્યારે જોઈએ ત્યારે જાગતી કરી, જેની તે છાપ હોય તેનો અનુભવ કરી શકાય છે. સુખ, દુઃખ, ભોગ, ઉપભોગ, પ્રીતિ. દ્વેષ, જે જે થાય છે તે બધાંથી વાસના જન્મ પામે છે, ને એ વાસના પેદા થવાનાં માર્ગ જે સત્તર વસ્તુનો સૂક્ષ્મ દેહ બને છે. એમ કહ્યું છે, તે છે. વાસનારૂપી આહાર એ બધાં દ્વારથી જ્યારે પહોચે ત્યારે સૂક્ષ્મદેહ બંધાય અને પુષ્ટ થાય. એવા સુક્ષ્મ દેહનું ને વાસનાનું અનુભવમાં દષ્ટાન્ત જોવું હોય તો આપણને જે સ્વપ્ન આવે છે તે છે. એમાંથી જણાશે કે સ્વપ્નમાં જે જે વાત થાય છે તે, ખરેખરી લાગે છે, અને કોઈ વાર જાગ્યા પછી પણ ઘણીક સારી કે નઠારી અસર પેદા કરે છે.