આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૯૯
પુનર્જન્મ.

છે, ત્યારે સારા નઠારાનો ફાયદો પણ શો? જગતમાં ગમે તેમ ચાલીએ તોએ શી હરકત ? એમ હોય તો સારાનું સારું ને નઠારાનું નઠારું એવો જે કારણ અને કાર્યનો સંબંધ છે તે તૂટી જાય, ને જગત ઉંધું વળે માટે આવું હોઈ શકવું અશકય છે. માણસનાં ભોગ, સ્થિતિ, આયુષ, સર્વનો ખુલાસો; તેમ અહીંઆં જે કર્યું અને ન ભોગવાયું તે ભોગવવાના પણ સમય આવશેજ એ વાત; એ બધું તેની તેજ વસ્તુ ફરીજ જન્મ પામે છે, તેનો તેજ સુક્ષ્મ દેહ ફરી અવતરે છે એમ માનવાથી સહજ સમજાય છે. કહેશે કે આપણો પૂર્વ જન્મ શો હશે તેની આપણને સ્મૃતિ નથી, એટલે પૂર્વના કામ માટે હાલ તોષ કે દંડ જે થતું હોય તે કશા ઉપયોગનું નથી, તો એ વાત પણ ખોટી છે. અધારામાં ખાધાથી પણ કાંઈ ગોળ કડવો લાગવાનો નથી, તેમ પૂર્વના કર્મનું સ્મરણ ન છતાં પણ તેનું ફલ ભોગવવામાં કશી હાનિ આવતી નથી. પૂર્વની સ્મૃતિ આપણને ન હોય એજ સારું છે, કેમકે એનાથી આપણને જ લાભ છે. પૂર્વના કામને પશ્ચાત્તાપ, સારા કે નઠારાં સર્વનો પશ્ચાત્તાપ, આપણે સર્વદા અસંતોષી રવભાવને એટલો બધો થાત કે આ દુ:ખમય જગત નરકમય થાત, અને અહીં અવતાર આપી ઉચ્ચ માર્ગ લઈ જવાનો હેતુ તો બાજુ ઉપર રહી જાત. એવો નિયમ છે કે જે વસ્તુ જેવી છે તેવા લાભકારક હોય તો તે સારી કહેવાય છે. સૂર્ય ઉગે છે તેમાં લાભ છે, ને તેથી બીજી રીતે થતું હોય તો હાનિ થાત. એટલું જ માણસ જાણી શકે એમ છે, સૂર્યને શા માટે દોરડાવતે લટકાવ્યું નથી કે તેને પૃથ્વીમાંથી કેમ ઉગાડયો નથી એ પ્રશ્ન કરવા તે નકામી વાત છે. એમજ પૂર્વ જન્મની સ્મૃતિ નથી તે સારું છે એ વાતજ પૂર્ણ છે, શા માટે સ્મૃતિ નથી એ પ્રશ્ન સારો નથી. તે સ્મૃતિ પણ છેક નથી થતી એમ નથી. કેમકે અભ્યાસ કરીને કોઈવાર થાય છે; બાળક અવતરે છે તેવુંજ પડી જવાથી રડે છે, ભુખ લાગતાં અકળાય છે, એ તેને કોણ શીખવે છે ? પૂર્વની વાસનાથી જ તેને એ સાથે આવેલું છે, એ પણ એક પૂર્વની સ્મૃતિનો પ્રત્યક્ષ અનુભવ છે.

આવી રીતે પુનઃ પુનઃ અનેક જન્મ થયા, થાય છે, અને થશે. એ જન્મના ક્રમ વિષે આજ કાલ બે મત પેદા થયા છે. આપણા શાસ્ત્રવાળા તો એમજ કહે છે કે મનુષ્ય હોય તથાપિ નીચકર્મ કરે તો પશુ પક્ષી કીટ પાષાણ પણ થઈ જાય. પણ કેટલાક તકરાર કરે છે કે મનુષ્ય થવા જેટલું સારૂ કામ કર્યા પછી નઠારું કરાયજ નહિ, એટલે આગળ ન વધાય તો, મનુષ્યને મનુષ્ય તો રહેવાયજ. આ બાબત તમને જે અનુભવ થાય તે માનજો, પણ