આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૦૯
સંયમ ભાગ-૨.

કરેલો ટોળ વખતે અનેક ઘણો હાનિકારક નીવડે છે. કામ જેટલીજ વાત કરવાની ટેવ પાડવી, અને કોઇ સમયે પણ કોઈનું દીલ દુઃખાય એવી વાણી નજ બોલવી, એ વાણી ઉપર સંયમ રાખવાની રીતિ છે.

મન, કાયા અને વાની ત્રણે ઉપર સંયમ રાખવા કરતાં અધિક સંયમ એ છે કે એ ત્રણેને એક એકની સાથે ચલાવવાં, મનમાં જે હોય તેજ શરીરે કરવું ને તેજ વાણીએ બોલવું એવો એ ત્રણેને એકાકાર રાખવાનો નિયમ ઘણોજ આવશ્યક છે. કેમકે નહિ તો ઠગાઈ, ખુશામદ, જુઠું બોલવું વગેરે નઠારી કુટેવ પડવાથી અનેક અપલક્ષણ પેદા થાય છે, ને પરિણામે પોતાને તથા પોતાનાં સર્વને દુઃખ નીપજે છે. મનને પણ એવી જ ટેવ પાડવી કે જેવું યથાર્થ રીતે જાણ્યામાં હોય તેવું સર્વદા ગ્રહણ કરે, તે વાણી તેજ વદે, તથા શરીર તેજ કરે. એનું જ નામ સત્ય પાળવું કહેવાય. સત્ય બોલવાથી આજ લગી કોઈને હાનિ થઈ નથી, ને થનાર પણ નથી. તુરત વેળા સત્ય બોલવાથી કોઈ એક માણસને કાંઈ હાનિ થતી જણાઈ હશે, પણ અસત્ય બોલવાથી આખા જગતના નિયમને જે હાનિ થાય તે કરતાં તે અતિ તુચ્છ અને નજીવી જેવી છે. ઈગ્લેંડના ઇતિહાસમાં પહેલા ચાર્લ્સ રાજાને પદભ્રષ્ટ કરી પ્રજામતને આધારે રાજ્ય સ્થાપનારમાંનો એક પીમ એ નામનો મહાશય હતો. પાર્લામેન્ટમાં તેને કાંઈ કહેવાનું હતું, પણ કહ્યાથી પોતાને હાનિ થાય એમ હતું, તેથી એને એના મિત્રએ મૌન રહેવા કહ્યું. એણે ઉત્તર આપ્યું કે “મને હાનિ થાય તે કરતાં સત્યને હાનિ થાય એ વાત સહન થઈ શકે તેવી નથી, માટે હું બોલીશજ."

આ પ્રમાણે મન, શરીર અને વાણી ત્રણ ઉપર જુદો જુદો તેમ ત્રણેને સાથે ચલાવવા રૂપ એકત્ર સંયમ સર્વદા પાળવાથી સર્વ સુખ ઉપજે છે, ને મહોટામાં મહોટું જે અંતઃશાન્તિનું સુખ તે સર્વથી પહેલું આવી મળે છે. જે સંયમવાળાં મનુષ્ય છે તેમણે રાત દિવસ મેં શું કર્યું, હવે મારે શું કરવાનું છે, એવો પોતાના હીસાબ પોતાની જાતેજ લીધા કરવો, ને તેમાંથી સારા નઠારાનો વિવેક કરી, સારૂ કરવાનો અને નઠારું તજવાનો નિશ્ચયપૂર્વક નિયમ બાંધવો પછી તે નિયમ અમલમાં મૂકવા માંડવો ને તેમાં મન શરીર કે વાણી આડા અવળાં ચાલે તો તે સમયે સંયમથી તેમને સીધાં ચલાવવાં.