આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૧
વર્ણાશ્રમ.

વર્ણ અવર્ણ એવા ભેદ પડયા છે, પણ વર્ણમાંજ જે ચાર ભેદ થયા છે તે તેવા કારણથી થયા નથી. આર્યલોકમાં જે જ્ઞાની, પંડિત હતા, તે ઋષી કહેવાતા. ને તેમણે વેદના મંત્રો સંગ્રહેલા કહેવાય છે. તેમનું કામ નિરંતર ભણવું ભણાવવું, શાસ્ત્રોક્ત કર્મ કરવું કરાવવું, ને દાન લેવાં આપવાં, એવું છ પ્રકારનું રહેતું. છ કર્મ કરનારા બ્રાહ્મણ કહેવાતા. કેમકે બ્રહ્મ એવું વેદનું નામ છે તેને જાણનાર તે બ્રાહ્મણ, ભણવું, કર્મ કરવું ને દાન આપવું, એ ત્રણ કર્મ જેને કરવાનાં તે બ્રાહ્મણ વિના બીજા વર્ણના ગણતા. તેમાં જેમનું કામ રક્ષણ કરવાનું અને રાજવ્યવહાર સંભાળવાનું હતું તે ક્ષત્રિય કહેવાતા, જેમનું કામ વેપાર, ખેતી, ઇત્યાદિ કરવાનું તે વૈશ્ય કહેવાતા ને જેનું કામ સેવા કરવાનું તે શુદ્ર કહેવાતા. જે અવર્ણના લોક હતા તે તો નિષાદ, મ્લેચ્છ, બર્બર, કિરાત એવા તેમના ધંધા અને આચાર વિચારને અનુકૂલ નામથી ઓળખાતા; એમ સમજાય છે કે ચારે વર્ણને ખાવાપીવાનો સંબંધ હતો, તેમ કન્યા આપવા લેવામાં એવો નિયમ જણાય છે કે ઉપરના વર્ણવાળા નીચેના વર્ણવાળાની કન્યા લેતા, પણ તેને આપતાં નહિ. ભણવું, કર્મ કરવું, ને દાન આપવું, એ ત્રણજ કામ બ્રાહ્મણ વિના જે બીજા તેમને કરવા દેવામાં આવતાં એમ હમણાં કહ્યું છે પણ શુદ્રને તે કરવા દેવામાં આવતાં નહિં, તેને તો માત્ર સેવાનોજ અધિકાર સોંપવામાં આવતો. એવું સમજાય છે કે અવર્ણના લોક્માંથી લીધેલા લોકો શુદ્રવર્ગમાં રહેતા હશે. અને એ તો નકકી જણાય છે કે બાકીના ત્રણ વર્ણમાંથી, જે યોગ્ય રીતે ન વર્તે, તે પોતાનાથી નીચેના વર્ગમાં પડી જતાં, કે છેક શુદ્ર પણ થઈ જતાં, તેમ ત્રણ વર્ગમાંથી જે યોગ્ય હોય તે છેક બ્રાહ્મણ થવા સુધી ચઢી શકતાં. કેટલાક વેદમંત્રોના સંગ્રહનારા બ્રાહ્મણ નથી, ને ઉપનિષદમાં તો ઘણાક ક્ષત્રિયો પાસેથી બ્રાહ્મણોએ ઉપદેશ લીધેલા છે, સ્ત્રીઓએ પણ વેદમંત્રોનો સંગ્રહ કરવામાં ભાગ લીધાનાં ચિન્હ જણાય છે, ને ઉપનિષદોમાં તો યાજ્ઞવલ્કયની પત્ની ઘણી ઉત્તમ બ્રહ્મજ્ઞાની જણાઇ છે. આમ છતાં શાસ્ત્રની આજ્ઞા એવી છે કે વેદનો અધિકાર સ્ત્રી અને શુદ્ધ બેને નથી; તે વેદોક્તકર્મ કરવાના વિષયમાં જાણવું: પણ જ્યાં બ્રહ્મજ્ઞાનની વાત છે ત્યાં તે કોઈને નિષેધ કરવાનો હેતુ જણાતો નથી. સંસ્કાર જે સ્મૃતિ પ્રમાણે કરાય છે, તે શુદ્રને કરાય નહિ, પણ મંત્ર બોલ્યા વિના જ તેમ કરવાનો બાધ નથી એવું પણ જણાય છે.