આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૩
વર્ણાશ્રમ-ભાગ-૨

પોતાપોતાને તેમ આખા દેશને પાયમલ કરે છે. આપણા દેશમાં કોઈપણ સુધારો થઇ શકતો નથી તેનું કારણ પણ આ નાતનું બંધનજ છે. અસલનાં વર્ણાશ્રમની વ્યવસ્થા એજ સારી અને ઉન્નતિ કરનારી છે.

આશ્રમ શું? આશ્રમ એટલે સ્થાન, અવસ્થા, જે રીતિથી જે મનુષ્ય રહેતું હોય તે તેનો આશ્રમ કહેવાય. મનુષ્ય બ્રહ્મચારી હોય, એટલે વિદ્યાભ્યાસમાં રોકાયેલું હોય, પરણી, અને ઘર માંડી, વ્યવહાર, ધર્મ, આદિ સાધી સુખ પામવાને માર્ગ કરતું હોય; કે સંસારથી કંટાળી એકાન્તનું સુખ ભોગવવા પુત્રને ભાર સોંપી વનવાસમાં વિરાગ પામતું હોય; કે કોઈ સ્થાનથી બંધાઈ ન રહેતાં બધું જ તજી, બધાને આત્મરૂપ અનુભવતું હોય, એ ચાર સ્થિતિનું નામ બ્રહ્મચર્ય, ગાર્હસ્થ્ય, વાનપ્રસ્થ, ને સંન્યાસ, સંસ્કાર વિષેના પાઠમાં બ્રહ્મચર્યનું વર્ણન કરેલું છે, એટલે ઉપનયનથી સમાવર્તન સુધી બ્રહ્મચર્ય; વિવાહથી તે જ્યારે સંસાર મૂકી વનવાસ કે એકાન્તની અભિલાષા થાય ત્યાં સુધી ગૃહસ્થાશ્રમ; ને વનમાં કે એકાન્તમાં જ્યારે વિરાગ પરિપકવ થાય ને કશામાં વૃત્ત ન રહે અને સર્વત્ર એકાત્મભાવ થવા માંડે ત્યાં સુધી વાનપ્રસ્થ; અને એકાત્મભાવ પરિપૂર્ણ અનુભવાય એ સંન્યાસ. સન્યાસ સુદ્ધાં ચારે આશ્રમનો અધિકાર બ્રાહ્મણ એકલાનેજ છે, બીજા ત્રણે આશ્રમ, ક્ષત્રિય અને વૈશ્યને માટે છે, તથા શુદ્રને માત્ર ગૃહસ્થાશ્રમ જ છે. છતાં શુદ્રથી, વિરાગ થાય તો, વાનપ્રસ્થ નજ કરાય એવો પ્રતિબંધ નથી. ગૃહસ્થનાં કર્મ, હવે પછી સંસ્કારનો જે પાઠ આવશે તેમાં કહેવાશે, પણ વાનપ્રસ્થને તો વિરાગ પ્રધાન જોઈએ. વિરાગ એટલે ભગવાં કરવાં, કે નાશી જવું, કે રખડવું, તે નહિ, પણ રાગ એટલે અમુક વસ્તુ મારી છે એવી જે પ્રીતિ તે નાશ પામવી જોઈએ. કોઈપણ પ્રકારની ઈચ્છા ન રહે, પુત્ર, કીર્તિ, ધન, સર્વની વાંછના નિર્મૂલ થાય, ત્યારે એકાન્તમાં જઈ આત્માનું ધ્યાન, શ્રવણ, મનન કરવું. પત્નીને પણ તેમાં જોડે રખાય. પછી જ્યારે વિરાગ એટલો દઢ થાય કે કોઈ વસ્તુ ઉપર વૃત્તિ જ રહે નહિ, ને આખું વિશ્વ પોતારૂપજ દેખાય, ત્યારે સંન્યાસ “અતિ સારી રીતે સર્વ તજ્યું” એ આશ્રમમાં જવાય. સંન્યાસનું મુખ્ય લક્ષણ પ્રેમ; પ્રેમ એટલે કોઈ વસ્તુ ઉપર પ્રીતિ એમ નહિ, પણ સર્વત્ર એકાત્મભાવ એવો ભાવ થાય એટલે પછી પત્ની કે ઘર, રહેઠાણ કે સંગ્રહ કશું હોયજ નહિ. ચાર આશ્રમમાં એવો અવશ્ય નિયમ નથી કે એક પછી એકજ તે આવવા જોઈએ, પણ લોકો ઘણું કરીને તેમ

૧૫