આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૬
બાલવિલાસ.

સ્ત્રી નીવડે, એવું તેને કરવું, એ માબાપનું જ કામ છે. અવતરે ત્યારથી બાલક માતા પાસેજ રહે છે, ને ગમે તેટલું મહોટું થાય તોપણ બાલક સ્વાભાવિક રીતે માતાની પાસે કોઈ અલૌકિક પ્રીતિભાવથી નમતું રહે છે. બાલકના મનને અને આત્માને તેમ તેના શરીરને શુદ્ધ માર્ગે ચઢાવવાનું મુખ્ય કામ માતાનું છે, ને તેથી બાલક આગળ જતાં જેવું નીવડે તેનો યશ અપયશ બધો માતાને શિર છે.

બાલક જગતમાં અવતરે છે તે વેળે તેને કશી સમજણ હોતી નથી, માત્ર કેટલીક લાગણીઓ હોય છે, ને મહોટામાં મહોટી જે ટેવ તેને હોય છે તે એ હોય છે કે જે દેખે, સાંભળે, કે અણસારાથી પણ જાણે, તેનું અનુકરણ કરવું. અવતરે તે ઘડીથી જ તેનામાં આ ગુણ ઘણી સારી રીતે હોય છે, ને એ ગુણના વધવાથી જ એની રીતભાત છેક મહોટપણ સુધી બંધાતી ચાલે છે. આટલા માટે બાલકની આસપાસ જે જે બનાવ બને, જે જે વાતચીત થાય, તેને જેવી જેવી સેાબતોમાં રખાય, જેવી જેવી તેને રમતો રમવા દેવાય, તેને જે જે ખાવા પીવાનું અપાય, એ બધા ઉપર તેના મન અને શરીરના બંધારણનો આધાર રહે છે. માબાપ અને તેમાં મુખ્ય કરીને માતાને એજ સંભાળવાનું છે કે આ બધી વાતોની રચના એવી થાય કે તેમાંથી બાલક સારો માર્ગ જ લેતાં શીખે, સારી રીતે પોતાને આ ભવ ગાળવા સમર્થ થાય. માતાનાં કે પિતાનાં ભાઈભાંડુનાં કે નોકર ચાકરનાં, કોઈના એક આંખના અણસારા સુધી પણ એવા થતાં નથી કે જેને બાલક પકડી લે નહિ, ને જે પ્રમાણે કરતાં શીખે નહિ, માટે તેવા બધા પ્રસંગ બાલકને લાભ આપે તેવાજ યોજવા જોઈએ, ને તેની આસપાસ સ્વાભાવિક રીતે સહજ શુદ્ધતા, આચારવિચાર અને વાણી સર્વ પ્રકારની, પ્રસરી રહેવી જોઈએ. આવું ન થઈ શકે તે બાલકો અનેક અપલક્ષણ શીખે, ને જે પ્રથમ તે નિર્દોષ જેવી રમત લાગતી હોય, અને માબાપ લાડકોડમાં જે રમતો સહજ નઠારી છતાં પણ બાળકને લડાવી લડાવીને શીખવતાં હોય, તેજ તેમને છેવટ નઠારી ટેવ રૂપે ગળે બંધાય ને આગળ જતાં અતિ દુઃખી કરે. એમ મનુષ્યનું સુખી કે દુખી થવું, જીવવું કે મરવું, એ માતાના વિચાર અને આચાર ઉપરજ લટકી રહેલું છે, તો માતા થતા પૂર્વે માતાએ કેટલી ચતુરાઈ રાખવી જોઈએ, તેમ માતા થયા પછી કેમ વર્તવું જોઈએ, એ સમજવું સહજ છે. એ વિષે જુદી જુદી વાત સ્પષ્ટ રીતે આગળ કહેવાશે.