આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૭
આત્માર્પણ

આત્માર્પણ
૨૪

જગતમાં જીવ્યું તેનું જ સાર્થક છે કે જેણે પોતાના જીવ્યાથી પારકોને ઘણુમાં ઘણું સુખ કરી આપ્યું છે; ને એ પ્રકારનું ઉત્તમોત્તમ જીવિત માતાનું છે. પરદુઃખભંજન વિક્રમ અને ભોજનાં નામ જે આપણે નિત્ય સંભારીએ છીએ એટલાજ કારણથી કે તેમણે મહોટી રાજસમૃદ્ધિ વૈભવ માણવો કારે મૂકી પારકાનાં દુઃખ ભાગવા માટે અનેક કષ્ટ વેઠયાં છે ને પોતાનો જીવ જોખમમાં નાંખ્યો છે. પ્રખ્યાતિ પામેલા શોધ કરનાર કે વિદ્ધવાનોને આપણે સંભારીએ છીએ તે પણ એટલાજ કારણથી કે તેમણે આ જગતમાં અવતરી ભોગ ભોગવવાનો દૂર રાખી આખા જગતના લાભ સારૂ તનમનથી અતિ શ્રમ વેઠયો છે. છેવટે પરાક્રમી યોદ્ધાનાં સ્વરૂપને આપણે નમીએ છીએ, પૂજીએ છીએ, તે પણ એટલાજ માટે કે તેમણે પોતાના અતિ પ્રિય પ્રાણ પોતાની ભૂમિના રક્ષણ માટે તૃણવત્ તજી દીધા છે. સાધારણ સંસાર વ્યવહારમાં પણ શું છે ? ઘણામાં ઘણું માન કોને મળે છે ? કોણ સારામાં સારું કહેવાય છે? ઘરમાં લાખો રૂપીઆ ભર્યા હોય, કે ઉત્તમ અધિકાર ભોગવતો હાય, કે ઉત્તમ સુખમાં જ જનમ્યો હોય, તેવો માણસ કશું પણુ માન પામતો નથી; માન તો તેજ પામે છે કે જેના જીવ્યામાં બીજા પણ આવે છે, જેનો હાથે દાન, દયા, અનંત થયા કરે છે, ને જે એ પ્રમાણે ખરી રીતે જીવી જાણે છે. પોતાને વિસારે પાડી પારકાનું જ ભલું કરવામાં છેક દરિદ્ર થઈ ગયેલા ચારદત્ત જેવાને પણ ધન્ય છે ! તેણેજ જીવી જાણ્યું છે. મનુષ્ય પ્રાણીમાં જ આવું છે એમ નથી, પણ જે જડ કહેવાય છે તેવા પદાર્થોમાં પણ એમ છે. તેમાં પણ જેને અંગે ઘણા પદાર્થ નભે છે તેજ મહોટું ગણાય છે; અરે ! જડ વસ્તુઓનાં નામ આપણે જોઈએ તો એક કણપણ નીરુયયોગી જતો નથી, કેવલ પારકાનાજ કામમાં વપરાય છે, પણ મનુષ્ ! જેનું આયુષ જડ પદાર્થો કરતાં ઘણું અલ્પ છે, ને જેનું એક પણ અંગ મુવા પછી કશા કામનું નથી, તે જાણે જગતનો રાજા હોય એવું થઇને અધર ચાલે છે, તે કદી મરવું નથી એમ સમજી પોતાના પિંડને જ પોષવામાં પારકાના સામું પણ જોતું નથી ! ! કેવી અધમ દશા, કેવું પાપ ! પોતાની જાતિના પ્રાચીન ઇતિહાસમાંથી, કે આસપાસના જડ વિશ્વના વ્યવહારમાંથી પણ, શું તેને એટલું ભાન નથી આવી શકતું કે જેનો પિંડ પદાર્થ વપરાયો તેનું જીવતર ખરું જીવતર છે, બાકી તો કૂતરાં પણ છવે છે, જીવડાં પણ અવતરે છે ને મરે છે.