આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૮
બાલવિલાસ.

સમૃદ્ધિને વાપરી સદાવ્રત બાંધવાં કે નિત્ય બ્રાહ્મણ જમાડવા એમ કરવું એજ ખરો માર્ગ છે એમ કહેવાની મતલબ નથી. એવાં કામમાં કાંઈ પાપ છે એમ નથી, એ પણ યોગ્ય રીતે થાય તો સારાં કામ છે. પણ તેને માટે દ્રવ્યની સમૃદ્ધિ જોઈએ તે ન હોય તે શું કરે? પણ આત્માર્પણનો અર્થ એવો નથી કે એ રીતેજ જે વપરાય તેથી તે થયું ગણાય. આ જીવતરમાં એવા પ્રસંગ ઘડી ઘડી પળ પળે આવે છે કે જે સમયે આપણે આપણી જાતને ભૂલી જઈ પારકાના ઉપર દષ્ટિ રાખવી યોગ્ય હોય છે. એક સમય કોઈ શહેરમાં એક શેઠીયાનું ઘર બંધાતું હતું, તેના ચોથા માળની પાલખ ભાગી પડવાથી તમામ કડીયા મજુર હેઠા પડી છુંદાઈ ગયા. એ દોદાળુ જેવું પાટીયું પડુંપડું કરતાં લટકી રહ્યું હતું તેને છેડે એક ડોસા અને એક જુવાન બે લટકી રહ્યા હતા. પણ પાટીયું એવું નમી ગયું હતું કે થોડીકજ પલમાં બેના ભારથી તે તુટી પડે, ને જો ભાર ઓછો થાય તો એકાદને જીવ મદદ આવતાં સુધી બચાવી શકે, એમ હતું. આવું જોઈ પેલા ડોસાએ પેલા જુવાનીઆને કહ્યું “અલ્યા ભાઈ ! મારા ઉપર દશ માણસનો જીવારો છે, અરે રામ ! હવે શું થશે ” આટલું સાંભળતાં જ પેલો જવાન એકલો જાતેજ હતો તેણે પાટીયું મુકી દીધું ને નીચે પડી કચરાઈ મુવો, પણ પેલા ડોસાનો જીવ ઉગાર્યો, ને તેનાં દસ માણસનો પણ ભેગો ઉગાર્યો. આવું ભાગ્યશાલી મરણ થાડાનું જ હશે! રજપુત માતાઓ પોતાના પુત્રને રણસંગ્રામમાં મોકલતાં અમથી ન કહેતી કે પાછા આવો તો વિજય સાથે આવજો નહિ તો કાગળે ચઢીનેજ આવજો. આત્માપર્ણમાં જે મરણ થાય તે પણ અહોભાગ્ય છે. એ ઉપદેશ રજપૂત માતાઓ પોતાનાં બાલકને પોતાના પયપાન ભેગોજ ગળે ઉતારતી. આપણે માર્ગે જતાં હોઈએ, ને આપણને જરાક અડચણ પડતી હોય પણ તેટલી મટાડવામાં બીજાને તેથી બમણી પડતી હોય, તો શું આપણે આપણી અડચણ નહિ વેઠી લેવી જોઈએ ? અથવા આપણને કાંઈ જ હરકત ન હોય, ને બીજાને ઘણી જ હોય તો શું તે દૂર કરવામાં આપણે આપણા મનના ખાતો માનના વિચારોને, કે નકામી મહોટાઇને વચ્ચે આવવા દેવાં જોઈએ ? છતાં કેટલાં સ્ત્રીપુરૂષો આ પ્રમાણે વર્તે છે? એક સાધારણ ઘરમાંજ જઈને જુઓ તો બૈરાં એવી તકરારથી કકળાટ કરી રહ્યાં હશે કે મારી માંદી દેરાણીને શીરો ખાવા આપ્યો તો મારે કેમ નહિ ? મારી નાની નણંદને કસબી સાળુ તો મારે શા માટે સોનેરી નહિ? પુરૂષો પણ એવી