આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૨
બાલવિલાસ.

થયું. પ્રેમનો મહિમા એવોજ છે, જેણે રાજ્ય તજતાં જરા પણ ક્ષોભ સરખો જણાવ્યો ન હતો, તે સીતાના વિયોગે ગાંડા જેવા થઈ ગયા ! પેલી પાસા સીતાના દુઃખમાં તો મણાજ શાની હોય? રડતી, કકળતી, બુમો પાડતી, રાવણની પીઠ ઉપરથી નીચે પણ પડી શકી નહિ. રાવણે તેને ઇદ્રપુરી જેવા અશોક વનમાં, અને સુખ ને વૈભવ સમેત દાસદાસીથી વિટી નાખી, રાખી, અને એનું મન મનાવવાના ઘણા ઘણા ઉપચાર કરવા માંડયા. સતીએ તે બધા વૈભવમાંથી કશું જોયું પણ નહિ, બધા ઉપચારને કેવલ તિરસ્કારથીજ ધિકકાર્યા, ને ન ચાલે તેટલાં ફલ માત્રથીજ નિર્વાહ કરી રાત દિવસ “રામ રામ ” એ નામની માલા જપ્યાં કરી. જેને ઘેર દેવતાઓ પણ દાસ થઈને સેવા કરતા હતા, જેની આણ ત્રિભુવનમાં વર્તતી હતી ને જેની સમૃદ્ધિનો કાઈ પાર ન હતો, ને જે પોતાના એક કટાક્ષ માટે પ્રાણ અર્પણ કરવાની પ્રતીક્ષા કરતો હતો , એવા રાવણને સીતાએ ધૂળ કરતાં પણ વધારે નીચ ગણ્યો, ચોર કરતાં પણ વધારે પાપી ગણ્યો, ને એ દુષ્ટનું મોં સરખું સામે મોંએ મેયું નહિ. કે તેનાં વચન “રામ રામ” એ જપના તાનમાં સાંભળ્યાં સરખાં નહિ.

રામ લક્ષ્મણને ધીમે ધીમે ભાળ મળી કે સીતા લંકામાં છે ને રાવણ તેને હરી ગયો છે. તેમણે પછી વાનરો આદિ સેના ભેગી કરી સમુદ્ર ઉપર પાળ બાંધી લંકામાં પ્રવેશ કર્યો, અને મહા પ્રચંડ યુદ્ધમાં રાવણ તથા તેના અતિ પ્રતાપી પુત્ર ઇદ્રજિતનો સંહાર કર્યો. લંકાનું રાજ્ય પોતાના ભક્ત વિભીષણને સોંપી અયોધ્યા જવા માટે રામ નીકળ્યા. પ્રેમી પતિ અને પત્ની મળ્યાં, કયારનાએ મળ્યાં હતાં, રાવણને માર્યા ત્યારનાં મળ્યાં હતાં, પણ રાક્ષસના ઘરમાં રહેવાથી કાંઈ દોષ થયો હશે એમ જાણી સીતાને અગ્નિમાં શુદ્ધ કરી રામે સ્વીકાર્યા ત્યારે બન્ને જે મળ્યાં, જે પ્રેમનો અને પ્રેમાનંદનાં અશ્રુનો પ્રવાહ વહ્યો, તથા લક્ષ્મણ હનુમાન આદિનાં હૃદય જે પ્રેમરસથી ભીંજી ગયાં. તેનું વર્ણન કોણ કરી શકે એમ છે? પછી કુબેરનું પુષ્પક વિમાન જે રાવણ હરી લાવ્યો હતો, તેમાં બેશી સર્વે અયોધ્યા ગયાં. ત્યાં માતા કૌશલ્યા, તથા ભરત અને શત્રુઘ્ન એ ભાઈ, તેમ આખા પૂરના અતિ આનંદ વચ્ચે લક્ષ્મણ તથા સીતા સહિત રામે રાજ્યનો સ્વીકાર કર્યો. અહો ! ભાઈ હોય તો રામલક્ષ્મણ જેવા હજો, પિતા હોય તો દશરથ જેવા હજો, પતિ હોય તો રામ જેવા હજો ને સતી સ્ત્રી હોય તે સીતા જેવી હજો.