આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૩
સન્નારી-સાવિત્રી

સન્નારી-સાવિત્રી.
૨૭

ચક્રવર્તી અશ્વપતિ રાજાને એકની એક જ, અનેક દેવ દેવતા કરતાં મળેલી, કન્યા હતી; તેનું નામ સાવિત્રી પાડ્યું હતું. સાવિત્રી પોતાના સમાન સખીઓ સાથે અનેક વિનાદ કરતાં સર્વ પ્રકારની ઉત્તમ વિદ્યામાં પ્રવીણ થઈ હતી. એક દિવસ તે, પોતાની દાસીઓને લઈ તપોવનમાં સતીઓનાં દર્શન કરવા તથા તેમની સાથે શાસ્ત્રચર્ચા કરવા ગઈ હતી. પાછાં વળતાં માર્ગમાં તેણે એક પર્ણકુટી દીઠી, તેમાં એક અંધ અને એક ડોશી તથા અતિ રૂપવાન, તેમ રૂપ ઉપરથી જ અનુમાન થઈ શકે તેવા અનેક ગુણવાળો, એક કુમાર એટલાં તેના દીઠામાં આવ્યાં. ખાવાનું પણ પૂરૂં મળે નહિ, વસ્ત્ર પણ પૂરાં નહિ, એવી સ્થિતિમાં આ કુટુંબને જોઈ સાવિત્રીના દયાળુ હદયમાં બહુ દયા આવી, અને પેલા અતિ રૂપવાન બાલની આ દશાથી તો એનો આત્મા પીગળી ગયો. અવલોકન કરતાં એને જણાયું કે અવન્તીના રાજાને તેની વૃદ્ધાવસ્થામાં ને અધ દશામાં, તેના શત્રુઓએ પરાજય પમાડ્યો, તેથી તે નાશને પોતાની રાણી તથા પોતાના જુવાન પુત્ર સમેત આ સ્થાને જેમ તેમ દિવસ નિર્ગમે છે. આવો વૃત્તાન્ત જાણતાંજ સાવિત્રીને જે દયાદ્રભાવ થયો હતો તે પેલા કુમાર પરત્વે પ્રેમભાવ રૂપે પરિણામ પામ્યો, અને એણે માનસિક સંકલ્પથી એજ ક્ષણથી એને પોતાનો પતિ નિર્ધાર્યો. ઉત્તમ કુલાંગનાના પ્રેમ અને પુણ્યનો એજ પ્રભાવ છે કે પારકાના દુઃખને સહન ન થયાથી તેના દુઃખમાં પોતાની પણ આહુતિ આપી, તે દુ:ખમાં ભાગી થઈ, જે થાય તે કરવું !

ઘેર આવી નિશ્ચય પોતાની માતાને જણવ્યો, પણ વિત્ત અને કુટુંબ હીનની સાથે પુત્રીનું લગ્ન કરવાની વાત તેને રૂચી નહિ, તેમ સાવિત્રીના પિતાએ પણ સાવિત્રીને આ નિશ્ચયથી ફેરવવા માટે, એક મહાન સ્વયંવર રચાવવાની યોજના કરવા માંડી. સાવિત્રીએ કહ્યું કે તમે ગમે તેમ કરો પણ મારું લગ્ન એ કુમાર સાથેજ થઈ ચુકેલું છે, ને સંસારમાં કન્યાનું દાન તો માત્ર એકજવાર થઈ શકે છે. આ ભાંજગડ ચાલતી હતી તેવામાં એક દિવસ નારદ મુનિ અશ્વપતિને ઘેર પધાર્યા, તેમને આગતા સ્વાગત કર્યા પછી, અશ્વપતિએ બધો વૃત્તાન્ત નિવેદન કરી, પુત્રીને સમજાવવાની વિનંતિ કરી. નારદે સાવિત્રીને ઘણી ઘણી સમજાવી, ને છેવટ વિચાર કરી ખરેખરી વાત જણાવી કે એ કુમાર સત્યવાનનું આયુષ પણ