આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૪
બાલવિલાસ.

અલ્પ છે, ને હવે માત્ર એક વર્ષમાં જ તે મરી જનાર છે, વૈધવ્ય દુઃખ બહુ વસમું છે, ને તે તું તારી મેળે શોધી લે છે એ સાફ કરતી નથી. સાવિત્રીએ કહ્યું કે જે થવાનું હશે તે થશે, મારા ભાગ્યમાં વૈધવ્ય હશે તો એ પતિથી કે ગમે ત્યાંથી પણ આવશે જ, પરંતુ મારા મનમાં જેને મેં પતિ કર્યો છે તેને તજી બીજો પતિ કરવાથી જે પાપ લાગે તે હું કદાપિ પણ કરનારી નથી. આમ જયારે કોઈ પણ પ્રકારે સાવિત્રીનો નિશ્ચય ડગ્યો નહિ ત્યારે તેના પિતાએ, બહુ ખિન્ન થતાં, તેને સત્યવાનની સાથે પરણાવી.

પોતાનાં માબાપે આપવા માંડેલા વૈભવમાત્રનો અનાદર કરી સાવિત્રી પતિની પર્ણકુટીમાં આવીને રહી. અંધ સસરા તથા વૃદ્ધ સાસુની સવારથી તે સાંજ સુધી સર્વ પ્રકારની સેવા કરે, અને પતિને નિરંતર સંતોષે. એક ક્ષણ પણ એવી જાય નહિ કે જેમાં સાવિત્રી પોતાના પતિ તથા તેમનાં ગુરુજનના સુખ અર્થે કાંઈ કરતી ન હોય, કાંઇ વિચારતી ન હોય, કાંઈ કષ્ટ ઉઠાવતી ન હોય. ખમા ખમામાં ઉછરેલી રાજકન્યાને વગડામાં એકલે હાથે ત્રણ જણની મરજી સાચવતાં જરા પણ કષ્ટ પડતું હોય એમ લાગતું નહતું, પોતાના પતિને પોતાથી સુખ છે એમ જાણી પ્રેમમાં ગાંડીઘેલી થઈ જતી આનંદે સતી ધર્મ પાળતી. એ કુટુંબના ઉપાર્જનનો ક્રમ એવો હતો કે સત્યવાન જગતમાંથી ફલ ફૂલ વીણી લાવતો. તથા લાકડાં કાપી તેને વેચી કાંઈ લાવતો, તે ઉપર એમનો નિર્વાહ ચાલતો, એક સમય સાજે એમ જણાયું કે સવા૨માં ભોજનને માટે ઘરમાં કોઈ નથી, તેથી સત્યવાન સંધ્યાકાળે મા બાપની આજ્ઞા લઈ વગડામાં લાકડાં લેવા જવા નિસર્યો. સતી સાવિત્રીને નારદનું વચન સાંભરી આવ્યું, ને એક વર્ષનો સમય પણ થવા આવ્યા, તેથી તેને આ અસાધારણ પ્રસંગ કાંઈક વિકટ લાગ્યો. પતિ નિસર્યો તેની પાછળ પોતે પણ જવા લાગી, સત્યવાને ઘણીએ વારી, ઘણીએ પાછી વાળી, પણ તેણે કશું સાંભળ્યું નહિ, અને પતિની સાથેજ જવાને માટે નિશ્ચયપુર્વક ચાલી. જંગલમાં જઈ કેટલાંક ફલફૂલ ભેગાં કર્યા પછી, સત્યવાન તે બધાં સાવિત્રીને સોંપી, એક ઝાડ ઉપર લાકડાં કાપવા ચઢયો. લાકડાં કાપતો હતો એવામાં એનું માથું દુખવા લાગ્યું, ને છેવટ પીડા એટલી વધી પડી કે નાચે ઉતરી સાવિત્રીએ એક છેડો પાથરી તે ઉપર સાવિત્રીના ખોળામાં માથું મૂકી સૂઈ ગયો.

સાવિત્રી આ બધું સમજતી હતી, પણ તે જરાએ ગભરાઈ નહિ. જરાએ રુદન કરવા મંડી નહિ, પતિને જે રીતે ચેન રહે ને જે રીતે શાન્તિ વળે તે રીતથી અનેક ઉપચાર ત્યાં મળે તેવા, કરવા લાગી. અનેક ધીરજનાં મીઠાં