આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૫
સન્નારી-સાવિત્રી.

વચનો તેને સંભળાવવા લાગી પણ બધું વ્યર્થ. સત્યવાનના પ્રાણ ગયા. પણ સતીએ છેક જવા દીધા ન હતા, કેમકે જે યમદૂત તે પ્રાણને લેવા આવ્યા તે સતીનું તેજ દેખી સતી પાસે આવી શક્યા નહિ. સતીએ પણ નિશ્ચય કર્યો હતો કે જેઉં યમરાજ મારા પતિને કેવા લઈ જાય છે ! યમરાજ પોતે આવ્યા, સતિને બહુ સમજાવી કે કાલ આગળ કોઈનું ચાલતું નથી, તેણે પોતાના પતિના પ્રાણ તેને લેવા દીધાં, પણ પોતે તુરતજ તેની પાછળ પાછળ ચાલવા લાગી. યમરાજે કહ્યું સતિ ! આવી ગાંડાઈ ન કરો. સંસાર એવોજ છે, તમે તમારે પાછો વળો, અને સાસુ સસરાને યોગ્ય આશ્વાસન આપો. સતીએ કહ્યું કે તમે સાક્ષાત ધર્મ છો. છતાં આ શું બોલો છો ! પતિ વિના સ્ત્રી કેમ રહી શકે ? જ્યાં પતિ ત્યાં હું પણ આવીશ. આવું સાંભળી યમરાજ બહુ પ્રસન્ન થયા ને કહે કે હું ધર્મ નિષ્ટ સત્યરૂપ સતી ! તમારા પતિના જીવિત વિના જે વર માગવો હોય તે માગો હું પ્રસન્ન છું. સતીએ વિચાર કરી પોતાના પિતાને સંતાન ન હતું તે થાય એમ માગ્યું, યમે તથાસ્તુ કહ્યું ને ચાલવા માંડયું, પણ સતિ કાંઈ પાછી વળી નહિ. યમરાજે વળી બહુ સમજાવી ત્યારે કહે કે મહારાજ ! આપ કૃપાળુ છો, તો એક વાત કરો, કે મારા પતિને મૂકી તેને સ્થાને મને લઈ જાઓ. યમરાજે આથી પ્રસન્ન થઈ બીજો વર, સત્યવાનના જીવિત વિના માગવા કહ્યું, સતિએ પોતાના સસરાનો અંધાપો દુર થાય એમ માગ્યું. તેને યમે તથાસ્તુ કહ્યું. પણ સતિને એવા લાભ સાથે કાંઇ કામ ન હતું, તેથી તે તો યમરાજની સાથે જ ચાલ્યા કરતી હતી, ત્યારે યમે તેને ત્રીજું વરદાન આપવા કહ્યું. પોતાના પતિનું જીવન માગવાને તો યમરાજે ના કહી છે એટલે સતીએ યુક્તિથી માગ્યું કે હું શતપુત્રની માતા થાઉં એમ આશિર્વાદ આપો. યમરાજે હસીને કહ્યું કે હું ધર્મભગિની ! તે યુક્તિથી તારા પતિનું જીવીત માંગ્યું છે તો તે પણ જા થશે, હું તારા સતીત્વથી બહુ પ્રસન્ન છું. અહીંથી સતી પાછી વળી, જયાં સત્યવાનનું શબ પડ્યું હતું ત્યાં આવી, તો સત્યવાન ધીમેથી નિદ્રામાંથી ઉઠે તેમ ઉઠયો અને હે પ્રિયે ! હવે મને ઠીક છે, એમ કહી પાછો પોતાને કામે લાગ્યો. સતીએ પોતાની કશી વાર તેને કહી નહિ. પણ વિકટ વનમાંથી રાત્રીએ ઘર ભણી ન જતાં પોતાના પતિને તેજ વૃક્ષને આશ્રયે રાત્રી ગાળવા વિનતિ કરી. પ્રાત:કાલે પર્ણકુટીએ ગયાં તો પોતાના પિતાને દેખતા જોઈ સત્યવાન આશ્ચર્ય પામ્યો, ને તેણે તે સમયે સતીનો મહિમા પોતાની મેળે વિચારી ગ્રહણ કર્યો. અશ્વપતિને પુત્ર થયો, તથા સાવિત્રીને પણ સત્યવાનથી શતપુત્ર થયા જેની સહાયથી સત્યવાને અવંતિનું રાજ્ય પાછું મેળવી, સતીની સાથે અનંત સુખ ભોગવ્યું.