આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૨૯
સન્નારી-સંયોગતા.

દ્વારપાલની જગાએ ઉભી રાખી, તથા પોતાના ભાઈને સેના લઈ તેની સામે મોકલ્યો. પૃથુરાજ અપમાન સહન કરે તેમ ન હતું, તે સેના લઈ યજ્ઞમાં ભંગાણ પાડવા ચઢયો, અને માર્ગમાં જયચંદના ભાઈનો ઘાણ કાઢી પાછો વળ્યો, કેમકે સગાભાઈના મરણથી યજ્ઞ એની મેળેજ બંધ પડયો. યજ્ઞ બંધ પડવાથી જયચંદને બહુ ખેદ થયો, પણ જો સંયોગતાનો સ્વયંવર પાર પડે તો પણ ઠીક એમ તેને આશા રહેવા લાગી. આ વાતની ધામધુમ ચાલતી હતી, અને કેહર કંઠીર નામના રાજપુત્રને કન્યા આપવાનો જયચંદનો વિચાર હતો, તેવામાં કન્યાનો પોતાનો અભિપ્રાય જાણવા તેની સખીઓએ તેની સાથે વાત કરી તો તેણે કહ્યું કે “રાજા બકરાં જેવા બંધાઇને અહીં દોરાયા આવ્યા છે, તેમાંના કોઈનું મારે કામ નથી, મારે તો જ્યારે પેલા સેનાના પૂતળામાં જીવ આવશે ત્યારે વરવું છે.” આ વાત જયચંદને કાને પહોચી તેથી તેણે બહુ ક્રોધ કર્યો, હાથ ઘસ્યા, અને કન્યાને ઘણું ઘણું સમજાવી, પણ તે એકની બે થઈ નહિ ને કહેવા લાગી કે જ્યારે સ્વયંવર કર્યો છે ત્યારે મને મારી ઇચ્છા પ્રમાણેજ પરણવા દેવી જોઈએ. આ સમાચાર પૃથુરાજને પહોંચ્યા કે તુરત તેણે યોજના કરી, પણ જયચંદની અતિ વિપુલ સેનામાં જંપલાવવું એ સાહસ લાગવાથી એમ યોગ કર્યો કે જયચંદને આશીર્વાદ આપવા માટે ચંદબરદઇને મોકલવો, અને પોતાની સેના થોડે દૂર રાખી, ચંદનાં માણસ ભેગા પોતે પણ વેષ પલટીને જવું, તથા જયચંદનું બલ જોઈ આવવું.

આ યુક્તિ પાર પડી, પણ જયચંદને બહુ પાકો વહેમ આવ્યો કે ચંદની સાથે જે માણસ છે તે પૃથુરાજ છે, તેથી તેનો નિશ્ચય કરવા માટે પોતે ચંદને મળવા ગયો. ત્યાં ચદે પોતાના નોકરરૂપે રહેલા પૃથુરાજને કહ્યું કે રાજાને પાન આપો, પણ મહામાની પૃથુરાજ જયચંદને પાંચે આંગળીએ ઝાલી પાન આપવા લાગ્યો. રાજાને પાન આપવું હોય તો હથેલીમાં મૂકી ધરવું જોઇએ તેને ઉપાડી લે, બાકી પાંચ આંગળીએ પકડીને આપવું એ તો દાન કહેવાય, તે રાજા લે નહિ, એવો રજપુતોનો વિવેક હતો આ વાતની રકજક થતાં પાન તો અપાયું, પણ તે પૃથુરાજે એવા ભારથી જયચંદના હાથમાં મૂક્યું કે જયચંદને હાથ પણ કરમોડ ખાઈ ગયો. જયચંદનો નિશ્ચય થયો કે આ પૃથુરાજ છે, તેથી તેણે ઘેર જઈ તુરત સેનાથી ચંદને વીટી લીધો અને પૃથુરાજને પકડવાની વેતરણ કરી. પૃથુરાજની સેના પણ આવી પહોંચી, જાગ્રત્ થઈ ગઈ, પણ લડાઈ મચે તે પહેલાં

૧૭