આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૩
સન્નારી પદ્મિની.

વધારે યોદ્ધા તેની નજરે પડયા. એ સમયેજ લડાઈ મચી, ને ભીમસિંહની પાછળ લશ્કર પડયું. પણ ભીમસિંહ તો વચ્ચે રાખેલે ઘોડે ચઢી ચીતોડમાં દાખલ થઇ ગયો હતો, અને ગોરાહ તથા બાદુલ દરવાજે લશ્કર સાથે ઉભા હતા તેમણે મુસલમાનોને પાછા હઠાવ્યા. અલ્લાઉદ્દીનની છાવણીમાં પણ કાપાકાપ બહુ ચાલી, ત્યાં બધા રજપૂત ખપી ગયા, કેમકે ઝાઝા આગળ થોડાનું શું ચાલે!

અલ્લાઉદ્દીન આ સમયે પાછો ફર્યો પણ તેને પદ્મિની વિસારે પડી નહિ ! ને તેણે ફરીને ચીતોડને ઘેરો ઘાલ્યો. આ સમય રજપૂતોને અણીનો હતો એટલે તેમણે છેવટનો માર્ગ લીધો ને કેશરીઆં કરવાનો ઠરાવ કર્યો. પદ્મિની આદી રજપૂતાણીએાએ તેમને વિનતિ કરી કે અમને તમારી સાથે યુદ્ધમાં આવવા દો, અમે તમારી સાથે રહી મરીશું કે મારીશું, પણ તે તેમને રુચ્યું નહિ કેમકે એકાદ પણ સતી મુસલમાનને હાથ પડે તો બહુ અનર્થ થઈ જાય. આમ વિચાર કરતાં પદ્મિનીએ નિશ્ચય કર્યો કે આપણે સર્વે રજપૂતાણીઓએ બળી મરવું, ને આપણા પતિને સ્વતંત્ર રીતે રણમાં કેશરીઆં કરવા જવા દેવા. ઘણીક રજપૂત સતીઓ સહિત પદ્મિની પોતાના પતિનું નામ સ્મરણ કરતાં આનંદે બળી મરવા ગઈ ને બીજી પાસ રજપૂતો મુસલમાનોપર એકાએક તૂટી પડયા. પણ ઘણામાં થોડાનું પરાક્રમ કામ આવ્યું નહિ. સર્વે ખપી ગયા, ને અલ્લાઉદ્દીન છેવટે ચીતોડમાં હોંસ ભર્યો પેઠો. પણ જઈને જુવે છે તો ગામમાં એક જીવતું માણસ નથી, ને પદ્મિની તો રાખ થઈ ગએલી છે ! ! ભીમસિંહે પોતાના એક દીકરા અજયસિંહને કેરવાડે નસાડી મૂકયો હતો કે તે આગળ જતાં આ પ્રસંગનું વેર વાળે, ને તેના બીજા અગીઆર દીકરા તેની સાથેજ રણમાં પડયા હતા. અલ્લાઉદ્દીન દેવાલય આદી ભાગી પાછો વળ્યો, પણ એનું વેર આગળ જતાં અજયસિંહે ને તેના વંશજોએ વાળ્યું. ઉદયપુરના રજપૂતોએ કોઈ સમય પણ મુસલમાન જોડે સંબંધ સ્વીકાર્યો નથી, ને અનેક દુઃખ વેઠતાં છતાં, અકબર જેવાના સામદામ છતાં, પણ તેમણે બીજા રજપૂતોની પેઠે પોતાની કન્યા મુસલમાન કે મુગલ પાદશાહને આપી નથી એ પદ્મિની જેવી સતીઓના પ્રતાપથી તેમનો ટેક છેવટ સુધી ટક્યો, અને એમનાં તેમ એ સતીઓનાં નામ અમર થઈ ગયાં.