આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલવિલાસ–વિભાગ-૩.
પત્નીધર્મ ભાગ-૬

મનુસ્મૃતિમાં કહ્યું છે કે “મરણ પર્યત પણ પરસ્પરનો અવ્યભિચાર રહે, એ સંક્ષેપમાં પતિપત્નીના ધર્મનો સાર છે. “આટલા ટૂંકા વચનમાં સંસારી સ્ત્રી પુરૂષોનો ધર્મ બહુ ઉત્તમ રીતે સમાયો છે. એ ધર્મ સચવાય તોજ ગૃહસ્થાશ્રમ સારો થાય, અને ગૃહસ્થાશ્રમના સારા થવા ઉપર બધા સંસારનો આધાર છે. શ્રીમદ્ભાગવતમાં ગૃહસ્થાશ્રમનેજ સર્વ આશ્રમનો સાર કહ્યો છે, કેમકે ઉત્તમ ગૃહસ્થાશ્રમને આધારેજ બીજા બધા આશ્રમની ઉપજીવિકા છે. ગૃહસ્થાશ્રમમાં રહ્યાથી જગમાત્રને ઉપકાર કરવાના એટલા પ્રસંગ મળે છે કે તેથી પ્રાપ્ત થતા પુણ્યે સહજમાં પરમ સુખ પ્રાપ્ત થાય છે. ગૃહસ્થાશ્રમનો મુખ્ય આધાર સ્ત્રી છે, ને જે ગૃહસ્થને સ્ત્રી સારી ન હોય તેનો ગૃહસ્થાશ્રમ વ્યર્થ છે; ને તેનું બધું સુખ નકામું થઈ જાય છે સ્ત્રીના સારા નઠારા હોવા ઉપરજ પુરૂષનું સારા નઠારા હોવું ઘણે અંશે આધાર રાખે છે; એમ સ્ત્રીઓ સર્વ પ્રકારે પુરૂષો ઉપર અસર કરનારી, અને ગૃહસ્થાશ્રમના મુખ્ય આધારરૂપ છે.

આવો સ્ત્રી પુરૂષનો આખા સંસારને ઉપયોગનો જે સબંધ તે ઉત્તમોત્તમ શી રીતે થાય એ વિચારવાનું બહુ આવશ્યક છે, ને તેનો નિશ્ચય ઉપર કહેલા મનુવાકયમાં બહુ ટુંકામાં બતાવેલો છે. સ્ત્રી અને પુરુષે એવી રીતે વર્તવું કે જેથી તેમનો બન્નેનો મરતા સુધી અવ્યભિચાર, એટલે કદી પણ જુદાં ન થવાપણું, સચવાય. મરણ સુધી રહે એટલુંજ નહિ પણ નિરંતર ઉભયનું ઐકય રહે એમ થાય તોજ સ્ત્રીપુરૂષના સંબંધથી ગૃહસ્થાશ્રમ શોભે. અવ્યભિચાર એટલે જુદાં ન થવું તે; એવી રીતે રહેવું કે જેથી એક બીજાની જુદાઈ જરા પણ થાય નહિ. જુદાઈ શરીરથી તેમ મનથી પણ થાય છે. શરીર એક બીજાથી જુદાં હોય છે પરંતુ મન એવું એક હોય છે કે તેથી શરીરની જુદાઈ જરા પણ થાય નહિ; જુદાઈ નહિ જેવી થઈ જાય છે. શરીરથી તેમ મનથી જ્યારે સર્વથા ઐકય સિદ્ધ થાય ત્યારે માણસ માણસનો સંબંધ દીપે છે, ફલદાતા થાય છે, ને જગતને ઉપયોગી થાય છે. માણસ માણસનું એમ છે, તો એક જ ઘરનાં બે અંગ જે સ્ત્રી