આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૬
બાલવિલાસ.

અને પુરૂષ તેમને માટે એવું હોય એ કેટલું આવશ્યક તેમ લાભકારક છે! આવો એકભાવ સિદ્ધ કરવો એ જેમ પુરૂષના હાથમાં છે તેમ સ્ત્રીના હાથમાં પણ છે, ને વિશેષે કરી સ્ત્રીના હાથમાં છે, કેમકે ઘરમાં સ્ત્રીનું જ મુખ્યપણું છે. સ્ત્રીએ જેમ બને તેમ પોતાની રીતિકૃતિ અને ઈચ્છાઓ એવાં રાખવાં કે નિરંતર તે સર્વથી પોતાના પતિની ભક્તિ વિના બીજું કાંઈ થાય જ નહિ. જ્યારે એ થાય ત્યારે જ એકભાવ સારી રીતે સિદ્ધ થાય અને સર્વ સુખ ફલે. સતી સ્ત્રીઓના ચરિત્ર તમે જોશો તો જણાશે કે તેમણે મનસા, વાચા, કર્મણા એવું કાંઈ કર્યું નથી, કહ્યું નથી, કે વિચાર્યું નથી કે જેમાં તેમના પતિની સાથેના એકભાવનું કાંઈ પણ પ્રયોજન ન હોય. જેનાથી પતિની સાથેનો માનસિક કે કાયિક એકભાવ ન તૂટે, ને જેટલું જેટલું પતિનું વિસ્મરણ થાય એટલું બધું કામ વ્યભિચાર એટલે જુદાઈ ગણાય છે, ને તેમાંથી નિત્ય પોતાને પાપ અને સર્વને દુઃખ પેદા થાય છે. આ પ્રકારે વ્યભિચારથી મુક્ત રહી અવ્યભિચાર સિદ્ધ કરવો એ સ્ત્રીના ઉપરજ મુખ્ય આધાર રાખે છે, જો કે પુરૂષને પણ તેવોજ એકભાવ પોતાની પત્ની સાથે રાખવાનો નથી એમ નથી.

ઘણીક સ્ત્રીએ પોતાના પતિને વશ કરવા માટે કામણ ટુંમણ કે મંત્રતત્ર ઉપરજ આધાર રાખે છે, તેમ કેટલીક સ્ત્રીએ રીસાવામાં ને પજવવામાંથી પતિને સંતાપી વશ કરવા ઇચ્છે છે. આ બન્ને માર્ગ કેવલ ઉલટા છે. જગતમાં એવો કોઈ મંત્ર નથી, કે એવું કશું જાદુ નથી કે જેનાથી આપણાથી વિરૂદ્ધ વૃત્તિવાળું માણસ સહજમાં આપણે પગે આવીને પડે, ઘણી વાર એવું પણ થાય છે કે મંત્ર અથવા જાદુને મિષે કાંઈ વિષ કે એવોજ કોઈ પદાર્થ ખવરાવવા માટે આપવામાં આવે છે, કે જેનાથી જીવી જાય છે, અથવા તેમ ન થાય તો બુદ્ધિ એવી શુન્ય થઈ જાય છે કે એવો વશ થયેલો ભર્તા પછી કશા કામનો રહેતો નથી. આમ પોતાનું પાપ પોતાનેજ ખાય છે ને વિધવાપણાનું મહા દુ:ખ, કે નિરાધાર પતિની ગરીબાઈની અતુલ પીડા, નિત્ય પોતાની જાતને ગાળો દેતાં, વેઠવી પડે છે. આ ઉપાય જેમ કેવલ હાનિકારક અને ખોટો છે, તેમ બલાત્કારનો ઉપાય તેથી પણ વધારે વિપરીત છે. આખા જગતમાં બલાત્કારથી કોઈ વશ થયું જાયું કે સાંભળ્યું નથી; એથી ઉલટું પ્રીતિથી, માયાથી, આપણે તેને માટે પીડા વેઠીને પણ તેનું શુભ કરીએ છીએ એવા સ્વાપર્ણથી, મહા વિકટ જણાતાં મનુષ્ય કે પ્રાણી પણ વશ થયેલા છે. તો મંત્ર જંત્ર જાદુ