આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૩૯
ઉદારતા.

ઉત્તમ પ્રકારની છે, પણ મનમાં ખરી ઉદારતા વશ્યા વિના એવું આચરણ થવું અશકય છે, મનની ઉદારતા એટલે શું? મનની ઉદારતા એટલે એજ કે માણસો પોતપોતાની વચ્ચે જે ભાતભાતના ભેદ માને છે તે ભૂલી જવા. કોઈ નાતજાતથી ઉચું નીચું હોય છે, તો કોઈ પૈસે ટકે મહોટું નહાનું હોય છે; કોઈ અધિકારે ભારે હલકું હોય છે તો કોઈ શરીરે રૂપાળું કદરૂપું હોય છે; એમ અનેક પ્રકારે નાનાવિધ ભેદમય આ જગતની રચના છે. એવા ભેદને લીધે આપણી પોતાની જે કાંઈ સારી સ્થિતિ હોય તેને બહુ ખુશી ખુશી થઈને વારંવાર ગોખ્યાં કે ગાયાં કરવી, ને એમ કરતે કરતે એમ અભિમાન ધરવું કે મારા સમાન કોણ છે, એ ઉદારતાથી અવળે માર્ગે ચઢવાની પ્રથમ ભૂમિકા છે. એવો વિચાર બંધાયો, મનમાં એમ થયું કે શરીરે, અક્કલે, હોંશઆરીએ, પૈસે, અધિકારે, કે ગમે તે પ્રકારે, હું કાંઇક છું એટલે મન બહુ સાંકડું થઈ જવાનું, ને બીજાની તેજ પ્રકારની ઉત્તમતા તેવા મનથી સહન થવાની નહિ. પારકાની મહોટાઈથી જાણે પોતાની મહોટાઈમાંથી કાંઈ ઉણું થતું હોય એમ કોઇની પણ વાત તેવા મનથી સહન થવાની નહિ, ને બધાંની નિંદા કરવાની અતિ હાનિકારક અને ધિક્કારવા યોગ્ય કુટેવ પડવાની. જે બૈરાં ધણું નવરાં હોય છે તેમનામાં આવું અભિમાન અને મનનું સાંકડાપણું સહજ પેદા થાય છે, ને તેમને રાતદિવસ નિંદા કરવાની ટેવ પડે છે. પારકાંની ખરી કે ખોટી, કલ્પિત કે જુઠી, ગમે તેવી પણ ખામીઓ ખોળી કાઢવી, તેને વધારી વધારીને પીછનાં પારેવાં કરવાં એ નિંદા કરનારનું મુખ્ય લક્ષણ છે. નિંદા કરનારને કે સાંભળનારને જે શ્રમ પડે છે તેનાથી તેમને પોતાને કે જગતને કશો લાભ નથી, જેની નિંદા થાય છે તેને પણ લાભ નથી, કેમકે તેના જાણવામાં તો તે વાત કવચિત જ આવે છે; ઉલટી નિંદા કરનાર ને સાંભળનારને ઘણામાં ઘણી હાનિ છે કેમકે તેમને જુઠું બોલવાની ખોટી વાતો ગોઠવવાની, ને જે વાત પ્રસિદ્ધ કરવાથી કશો લાભ નથી તેવાં છિદ્ર ખોળવાની ટેવ પડે છે. આમ થવાથી તેમનો કોઈ વિશ્વાસ રાખતું નથી, ને તે સારાં માણસમાં પંક્તિ પામતાં નથી. એમ થવાથી તેમના અભિમાનનો વધારે ભંગ થાય છે, ને તેઓ પોતાની જાત ઉપર ચીડાઈ, કશાથી સંતોષ ન માનતાં, ઘનાંને હેરાન કરે છે, તે જાતે બહુ કલેશ પામે છે.

દુનીયામાં સંપૂર્ણ કોણ છે? અભિમાન પણ સર્વને હોય છે, દોષ પણ સર્વમાં હોય છે, પણ સમજવાનું એટલું છે કે આપણે આપણા દોષ