આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૧
ધૈર્ય.

વ્યવહાર, અને દુનિયાની રીતિ કૃતિ, સર્વનો જે મનુષ્ય ઉદારતાથી વિચાર કરી શકે છે, ને ગુણમાત્રનેજ ગ્રહણ કરી સર્વને ખુશી રાખી પ્રીતિ વિસ્તારે છે, તથા યથાશક્તિ પ્રસંગાનુસાર પારકા માટે કરી છૂટે છે, તે માણસે સર્વસ્વ સાધ્યું છે, તેણે પોતાનું જીવિત કૃતાર્થ કર્યું છે. કહ્યું છે કે “ઉદારચિત્તવાળાને તો આખી પૃથ્વી પોતાનું કુટુંબ છે" તે સત્ય છે.


ધૈર્સયન્નારી-સાવિત્રી.

"ઉતાવળે આંબા પાકના નથી" એ કહેવત જેમ માણસને અધીરાં ન થવાનું સૂચવે છે, તેમ “ઉતાવળા તે બાવરા ” એ કહેવત ધીરજના લાભની સૂચના કરે છે. વસ્તુમાત્રને પોતપોતાનો સમય નિયમિત કરેલો છે, ને તે સમય આવ્યા વિના તે વસ્તુ થતી જ નથી. સૂર્ય ઉગે છે તેને પણ અમુક સમયનો નિયમ છે, ઝાડ ઉગે છે ને ફલે છે તેને પણ નિયમ છે. માણસે સમજવું જોઈએ કે પોતાનો સમય થયા વિના કશું થતું નથી. માણસ પોતે તેમાં કશો પરિવર્તન કરવાને શક્તિમાન નથી. કુદરતના સ્થાપિત નિયમો પ્રમાણે જે થાય છે તેમાં તેનાથી ફેરફાર બને જ નહિ, તેને જે કરવાનું છે, ને જે તે કરી શકે છે, તે માત્ર શ્રમ, પ્રયાસ, યત્ન અમુક ફલને માટે અમુક યોજના કરવાનો શ્રમ કરીને તેને વિરામવાનું છે, તે ફલને માટે તળે ઉપર થઇ જઈ ચિંતાતુર બની અધીરા થવામાં માત્ર તેને દુઃખ થાય છે એટલોજ લાભ છે. તેથી પેલા ફલને પેદા થવામાં કશી ઉતાવળ થતી નથી. કવચિત તેમાં કાંઈ બિગાડ થાય છે. આપણે નિરંતર મહેનત કર્યા કરવી, ને ધીરજથી તેનું ફલ જે આવે તે ઉપર વિશ્વાસ કરી થોભવું.

આવી ધીરજ રાખવાની જેને ટેવ હોય છે તે મનુષ્યમાં બે મોટા ઉપયોગી ગુણો, અને તેમને અંગે બીજા ઘણાક નાના ગુણો, પોતાની મેળે ખીલી ઉઠે છે. એક ગુણ તો એ છે કે તેને કોઈ પ્રકારનો ગભરાટ થતો નથી તેથી તેની બુદ્ધિ શાન્ત અને સ્વચ્છ રહે છે, ને ગમે તે સમયે પણ તે માણસ હરકોઈ કામનો નીકાલ કેમ કરવો તેનો નિશ્ચય ઝટ લઈને કરી શકે છે. એકાએક આવી પડેલી વિપત્તિમાંથી નીકળી જવાનું પણ તેવાં માણસ તુરત યોજી શકે છે. જે બીજો મુખ્ય ગુણ તેમનામાં ખીલે છે તે એ છે કે જે નિશ્ચય થાય તેને શી રીતે પાર પાડવો તેની યોજના પણ તેવાં મનુષ્ય બહુ ચતુરાઈથી ઘડે છે, ને ભારે કામનો પણ ધીમે ધીમે તે