આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૨
બાલવિલાસ.

યોજનાથી પાર લાવે છે. આથી ઉલટી રીતે જોઈએ તો જે અધીરાં માણસ છે. તે કોઇ કામ આવ્યું તો ગભરાઈ જાય છે, ને પછી તેને પાર પાડવા જતાં ગુંચવાઈ પડે છે. દેડાદોડ ઘણી કરે છે પણ તસુએક આગળ વધી શકતાં નથી. બાથોડીઆં ઘણાં મારે છે પણ કાંઈ પકડી શકતાં નથી; તે કામને વણસાડે છે એટલું જ નહિ પણ દોડાદોડમાં પોતાનો હાથ કે પગ પણ ભાગે છે. આવાં માણસ ઘણાં હોય છે ને કશું પણ કામ હોય તો ઘાલમેલ કરવા માંડે છે, એનું નામ ખરી કામ કરવાની છૂટ કહેવાય નહિ, શાન્ત અને સ્થિર બુદ્ધિથી, તથા ઠરેલી મુખમુદ્રાથી, જે કાર્ય નિયમિત રીતે નિશ્ચય પૂર્વક ઉકેલાતું જાય તેનુંજ નામ ખરી છુટ છે. તે ધૈર્ય વિના આવતી નથી. સમયસૂચક બુદ્ધિ અને તે બુદ્ધિએ કરેલો નિશ્ચય પાર ઉતારવાની યોજના, એ બે ધૈર્યનાં ખરા અંગ છે, નહિ તો આળસ પણ ધૈર્ય ગણાય, ઘાલમેલ પણ ચતુરાઈ ગણાય, ને મુર્ખાઈ ડહાપણ ગણાય.

આવું ધૈર્ય રાખીને કરેલા શ્રમનું ફલ ઘણીવાર ઈચ્છાનુસાર આવતું નથી, કે કેટલીકવાર ઉલટુંજ આવે છે. ખરા ધૈર્યની કસોટી તો તે સમયે જ છે. વિઘ્નથી વારંવાર પ્રતિહત થયા છતાં પણ ઉત્તમ મનુષ્યો કાર્યથી વિરામ પામતાં નથી, જગતના જે જે મહા શોધ છે તે બધા એક જ સમયે વિચાર કરીને યોજના કર્યોથી થયા નથી; પ્રયત્ન, નિષ્ફલતા, ને પાછો પ્રયત્ન, એમજ એક પછી એક ચાલ્યાંજ ગયાં છે, ને જેણે વિચાર કર્યો હશે ને પ્રયત્ન આદર્યો હશે તે પોતાના પ્રયત્નનું ફલ જેવા પણ પામ્યાં નથી, પણ એમજ સર્વ મહા કાર્ય સિદ્ધ થયા છે. નિષ્ફલ થવાયું કે ધૈર્ય બમણું વધવું જોઈએ; એજ ખરા ધૈર્યનું લક્ષણ છે. માણસે પ્રયત્ન કરવો એટલામાંજ તેને ધન્ય છે, એટલામાંજ તેના જીવિતનુ સાર્થક છે, જે સમય જેવો વેષ આવી પડે તેવો પૂરેપૂરો ભજવવો એમાં માણસાઈ છે.

ઘણાંક મનુષ્ય આ પ્રમાણે ઉત્તમ પ્રકારનું ધૈર્ય બતાવી શકે છે, ને ધીરજથી કાર્ય કરે છે તેમ ધીરજથી તેની પાછળ મંડ્યા રહે છે, “ નથી આવડતું” કે “એને મને શોખ નથી” એવાં વચન તે કદી બેલતાં નથી, તેમ સમજતાં પણ નથી. તેમની ધીરજ આગળ કશું ન આવડે તેવું નથી, તેમને કશાનો શોખ નથી એમ નથી. આજ, કાલ, નિત્ય, ફરી ફરી મંડયાં રહેવું ને “ કરવું " એજ તેમનો નિશ્ચય છે, પણ તેવાં મનુષ્ય પણ કોઈવાર એકાએક આવી પડેલી આપત્તિથી બહુ વિવ્હલ થઈ જાય છે, ને સર્વ ધૈર્ય તજી દે છે. કોઈ કારણથી આવી પડેલી દ્રવ્યહાનિ, શરીર પીડા, કે