આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૩
ધૈર્ય.

મનુષ્યહાનિ, એ બધું માણસો ધીરજથી સહન કરી લેતાં નથી, ધીરજવાળાં પણ તે ધીરજ વિનાનાં જણાય છે. એવા પ્રસંગમાં ધૈર્ય તજવાથી કશો લાભ નથી. હાનિ તો સ્પષ્ટજ છે ત્યારે જેમાં લાભ નથી ને હાનિ છે એવું કામ ડાહ્યાંએ કરવું ઉચિત નથી. દ્રવ્યપ્રાપ્તિ. નીરોગિતા, કે આયુષ એમાંની, એકે વાત માણસના હાથમાં નથી. તો જે વાત હાથમાં નથી, તેનો શોક શા માટે ? તેમાં પણ ધૈર્ય તજી ગભરાવાથી એ ત્રણે વાતનો અભાવ હોય તે કરતાં વધારે દુઃખ પેદા કરવાવાળો થઈ પડે, કેમકે ધૈર્ય વિના તેમાંથી મુક્ત થવાનો કશો ઉપાય પણ સુજે નહિ, કોઈ મનુષ્ય મરી ગયું તો તેની પાછળ રોવા કકળવાની ને કુટવા રડવાની કશી અપેક્ષા નથી. હૃદયની લાગણીને લીધે ખેદ થાય એ ખરું છે, પણ તેમાં ધીરજ તજી દઈ અતુલ શોક કરવા માંડવાથી શું ફલ છે ? હાનિ તો સ્પષ્ટજ છે કે શરીરને તેથી વ્યાધિ થાય છે, ને દુઃખમાં વધારો થાય છે. એમજ ઘણાંક સ્ત્રી પુરુષ પ્રજા ન હોય તો પણ અતિ દુઃખ પામે છે; પણ એવી દૈવાધિન વાતમાં આપણાથી થાય તેમ પ્રયાસ કરી ધૈર્ય રાખી સંતોષમાં રહેવાથીજ સુખ છે.

વિપત્તિ કોને નથી આવતી ? સંસારમાત્ર વિપતિનોજ ભરેલો છે. એક વૃદ્ધ માતાનો એકનો એક જવાન પુત્ર મરી ગયે, ત્યારે તે પણ તેની પાછળ મરવાને તત્પર થઇ. ગામના લોકે બહુ વારી, સમજાવી, પણ તે માને નહિ. ત્યારે સર્વ તેને મહાત્મા શ્રી બુદ્ધ પાસે લઈ ગયા. બુદ્ધદેવે કહ્યું કે “મા તમે થોડાક રાઈના દાણા લાવો તો તમારો દીકરો જીવતો કરી આપું ” ડોશી કહે કે “ હા, એ તો સહજ છે, ત્યારે બુદ્ધદેવે કહ્યું કે "તે તો ખરું પણ જેના ઘરમાં કોઈ કદી પણ મરી ના ગયું હોય તેના ઘરની રાઈ જઈએ.” ડોશી કહે કે ઠીક છે. પછી ડોશી ગામમાં ઘેર ઘેર ફરી પણ એક ઘર એવું ન મળ્યું કે જ્યાં કોઈને ઘેર કોઈ મુવું ના હોય, એટલે રાઈ ન મળવાથી નીરાશ થઈ બેઠી, ને વિચાર કરતાં સમજી કે સર્વનાં મરે છે તો મારો દીકરો મરે તેમાં શું? ફરી બુદ્ધદેવ પાસે ગઇજ નહિ, તેમ છોકરા સાથે મોઈ પણ નહિ. એમ મરણ તેમ સર્વ પ્રકારની વિપત્તિથીજ સંસાર ભરેલો છે. એમાં જેટલી ધીરજ રખાવી તેટલું જ સુખ; વિપત્તિ સમયે બીજાં વિપત્તિવાળાને સંભારી ધીરજ રાખવી, ને સંપત્તિ સમયે વિપત્તિને સંભવ જાણી ફુલાઈ ન જતાં ધીમાશથી ચાલવું. ધૈર્ય છે તે અતિ ઘણો મહોટો ગુણ છે, જે માણસો જેને સુખ માને તેનું અર્ધું અંગ છે કેમકે સુખનું ત્રીજું અર્ધું અંગ સંતોષ છે.