આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૪
બાલવિલાસ.

ચમત્કાર

એક વિદ્વાને કહ્યું છે કે પૃથ્વી ઉપર કશું નવીન પેદા થતું નથી; અને જેટલી વાતો શોધ કરનારા ખોળી કાઢે છે, તેટલી હોય તેને નાશ કરનારા પણ ખોળી કાઢતા જ ગણાય. આવું કહેવાનું તાત્પર્ય એ છે કે આ વિશ્વરચના જે અનાદિથી ચાલી જ જાય છે, તેમાં કોઈ કાલે કેવું હશે, ને કોઈ કાલે કેવું હશે, તે કહી શકાતું નથી; ને જે જે વાત શોધ રૂપે કહેવાય છે તે ઘણીવાર કોઇ જૂની વાતજ નવે રૂપે આવેલી હોય છે, ને તે જૂનીનો નાશ થવાથી તેને લોક વિસરી ગયેલા હોવાને લીધે, તેના રૂપાંતરને મોટી ચમત્કારિક શેાધ સમજે છે. કાચ બનાવવાની અને તેને કેળવવાની કલા, વિજળી અને વરાળનો ઉપયોગ કરવાની કલા, એ બધાં આજની દુનીયાને નવાં લાગે છે, પણ ઈતિહાસ લખનારા કહે છે કે અલેકઝાન્ડિયાની પાઠશાલામાં તે બધાં સારી રીતે જાણીતાં હતાં, અને કોઈ કહે છે કે આર્ય ઋષિઓ પણ તે જાણતા. કોઈક વાત નવી છે એમ જાણવામાં આપણને બહુ આશ્ચર્ય લાગે છે, કે જે આપણે નથી કરી શક્યાં તે બીજાએ કર્યું એમ જાણવાથી તે આશ્ચર્ય વધીને તેના કરનારને માન આપવા ઉપર આપણને દોરે છે. માણસનો સ્વભાવ એવો છે કે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી સર્વ વાતનો જે તે રીતે પણ તે ખુલાસો આપે છે, ને જ્યાં ખુલાસો આપી શકાયો ત્યાં એને ઝાઝું આશ્ચર્ય લાગતું નથી, અને ભક્તિ પેદા થતી નથી. જ્યારે કેવલ અગમ્ય વાત માણસ દેખે છે, ને ત્યાં આગળ તેની બુદ્ધિ અટકે છે ત્યારે તેના મનમાં કોઈ ભવ્ય અસર થાય છે, તેને તેની પોતાની અ૯પતા, લધુતા, પ્રત્યક્ષ સમજાય છે, તેનો અભિમાન ઓગળી જતાં તે લાંબુ થઇને નમન કરે છે. આવા જનસ્વભાવમાંથી જ ધર્મ માત્રની ઉત્પત્તિ થઇ છે. જે ભવ્ય પદાર્થ સંભવ આદિ તેને અગમ્ય લાગ્યા છે, તેને તેણે ઈશ્વર રૂપે પૂજ્યા છે. જે જે દેવ કે મહાત્માઓ થઈ ગયા છે તે પણ આવા કોઈ ભવ્ય પરાક્રમથી જ લોકભક્તિના પાત્ર થઈ ગયા છે. એકલા શ્રીકૃષ્ણના જન્મ સમયે બંદીખાનાની સાંકળો તૂટી ગઈ નથી, કે યમુનાએ માર્ગ આપે નથી; પણ જીજસ ક્રાઈસ્ટના જન્મ સમયે અનેક તારાગણે દૂર દેશના મહાશયોને તેની પાસે તેડી આણ્યા છે, મૂસા પેગંબરને લાલ સમુદ્રે માર્ગ આપ્યો છે. ચમતકાર ન હોત તો ધર્મબુદ્ધિજ બહુ નબળી રહત, ને ધર્મબુદ્ધિને સબળ કરવા માટે જે શ્રદ્ધા અને ભક્તિની અપેક્ષા છે, તે પેદા થાત નહિ.