આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૪૫
ચમત્કાર.

ચમત્કારથી શ્રદ્ધા થાય છે, શ્રદ્ધાથી ભકિત થાય છે, ભક્તિથી જ્ઞાન થાય છે, એમ પરંપરા મનાય; પણ ચમત્કારમાત્ર ઉપરજ જે શ્રદ્ધા જીવે છે તે કશા ઉપયોગની નથી. એવી શ્રદ્ધા કોઇવાર પણ પોતે પ્રાપ્ત કરેલા નિશ્ચયની સત્યતા ઉપર આધાર રાખી શકતી નથી, ને નિત્ય નવા નવા ચમત્કારની આશા રાખે છે. જે શ્રદ્ધા સત્યનો નિશ્ચય કરવાથી થાય છે તે કદાપિ ડગતી નથી, ને જે પોતે યથાર્થ જાણ્યું છે, તે જ ખરું માન્યું છે, એમાં કદાપિ વિક્ષેપ પેદા થતું નથી. એવી શ્રદ્ધા તે જ ખરું જ્ઞાન છે, તેમાંજ ખરો ધર્મ છે. ત્યારે ચમત્કાર ઉપર શ્રદ્ધા તો થયા વિના રહેતી નથી, અને તે શ્રદ્ધા ખરી છે કે નહિ એ સંશયવાળું છે, તો ચમત્કાર પોતે જ શું છે એ જાણવું પ્રથમ આવશ્યક છે. પણ ચમત્કાર ઉપર પણ શ્રદ્ધા કરવીજ એવો બધાં માણસોનો નિયમ નથી. ઘણાંક પોતાના જ્ઞાનમાં અને પોતે બધું જાણે છે એવા અભિમાનમાં એટલાં નિમગ્ન હોય છે કે ચમત્કાર એવી વાતને અશકય જ ગણે છે, ને કશી વાત પોતાના જાણ્યા બાહારની હોય, તેને સ્વીકારતા નથી. બીજા એવા હોય છે કે તે વાત તેમને ન સમજાતી હોય એટલે તે વાતને અગમ્ય માને પણ અશકય કે શકય કહી શકતા નથી. ત્રીજા એવા છે કે જે બધી વાતોને નીરાતે ગળે ઉતાર્યા જ કરે છે, ને ગમ્ય, અગમ્ય, શકય, કે અશકય, કશાનો વિચાર જ કરતાં નથી. પ્રથમ પ્રકારનાં જે માણસ કહ્યાં તે ઘણું કરીને નાસ્તિક એટલે જે તે પોતે જાણતાં હોય તે વિનાની બીજી વાત ઉપર આસ્તા કે શ્રદ્ધા નહિ તેવાં હોય છે. બીજા પ્રકારનાં મધ્યસ્થ હોય છે; ને ત્રીજા પ્રકારનાં અંધ શ્રદ્ધાવાળાં એટલે ભોળાં હોય છે. એથી અધશ્રદ્ધાનું વર્ણન આપણે હમણાંજ કર્યું છે, અને બતાવ્યું છે કે એવી શ્રદ્ધા કશા કામની નથી તેમ છેક નાસ્તિક બુદ્ધિ પણ સારી નથી કેમકે આ વિશ્વમાં શા બનાવ બને છે, ને શા શા બની શકે તેવા છે, તે બધાજ આપણે જાણી બેઠાં હોઈએ એવું સંભવતું નથી, અને જ્યારે આપણે એમ કહીએ કે અમુક વાત તો અશક્ય જ છે, ત્યારે તો આપણને આખા વિશ્વનું જ્ઞાન હોવું જોઈએ. આમ છે એટલે નાસ્તિકતા પણ સારી નથી. બૈરાં ધણું કરીને બહુ ભેળાં હોય છે, તે ગમે તેવી જુજ વાતને પણ ચમત્કાર ગણું તેના કરનારાને પરમેશ્વર માને છે; અને જરાતરા ભણેલાં સ્ત્રી પુરૂષ ઘણું કરીને નાસ્તિકતા રાખવામાં માન સમજે છે. પણ આ બંને વાત સારી નથી. પરમેશ્વર ચમત્કાર કરવાને માટે બેસી રહ્યો નથી; એ એક નવરો બેઠેલો જાદુગર નથી કે જેને જેવી ઇચ્છા થાય તેવા ચમત્કાર બતાવા માટે

૧૯