આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૪
બાલવિલાસ.

સહજ સમજાય છે કે કેટલાક નજીવા અને આપણને સ્મરણ પણ ન હોય તેવા વિચાર કેવાં કેવાં રૂપ ધારણ કરે છે, ને કેવી કેવી અસરો પેદા કરે છે. એમ વિચાર કદાપિ પણ પ્રત્યક્ષ થયા વિના રહેતો નથી. વળી એમ પણ બને છે કે કે વિષયનો વિચાર મનમાં વારંવાર ઘેળાયાં કરે તો તેનો રંગ બેઠા વિના રહેતો નથી. ગમે તેવી નઠારી વાત હોય તો પણ તેનો વિચાર જો મનમાં ચાલ્યાં કરે તો તે ઉપરથી માણસને કાંઈક પણ અસર થયા વિના રહેતી નથી. આ પ્રમાણે જ્યાં જુઓ ત્યાં દુનિયામાં વિચારનું જ બલ છે, કશી વાત પ્રથમ વિચારમાં યોજના વિના પ્રત્યક્ષ કરી શકાતી નથી, એટલે વિચાર એજ સર્વ કાર્યનો રાજા છે. આ જગતને ગતિ આપનાર મુખ્ય યંત્ર છે, એથી પણ આગળ જઇને વિચારીએ તો મનુષ્યની ઉત્તમમાં ઉત્તમ વૃત્તિ, ઉત્તમમાં ઉત્તમ અમર કીર્તિ, એક વિચાર માત્રને જ વળગી રહેવામાંથી પેદા થઈ છે. સત્ય, પ્રેમ, આત્માર્પણ, ઈત્યાદિના જે ઉત્તમોત્તમ દાખલા સંભળાય છે, હરિશ્ચંદ્ર, ધર્મ, કે શિબિ, જેવાની વાતથી જે સપુલક હર્ષ આપણામાં વ્યાપે છે, તે બધા, એક એક ઉત્તમ વિચારને પ્રત્યક્ષ કરવામાં પોતાનું જીવિત ગાળવાથી એવી ભક્તિ પામવા યોગ્ય થયા છે. મહાન શોધકો, મહા કવિઓ, સર્વે શું કરે છે? એક એક વિચારને પ્રત્યક્ષ કરવા પ્રયાસ કરે છે, ને એમ જગતને સુખ કરી આપી, અમરત્વ ભોગવે છે.

એવો કોઈ એક વિચાર તમે બાંધ્યો છે? તમે એવો કોઈ નિશ્ચય કર્યો છે કે જેને અવલંબી તમે આ સંસારનાં દુઃખમાં પણ સુખે પ્રયાણ કરો, જેને પ્રત્યક્ષ કરવાના પ્રયત્નમાંજ આનંદ માનો, અને જેને માટે તમારો જીવ પણ અર્પણ કરો. માણસે નિરંતર આવો કોઈ વિચાર દૃઢ રીતે મનમાં બાંધવો જોઈએ, ને તે એક વિષય માટે જ નહિ પણ સર્વ વિષય માટે બાંધવો જોઇએ; અને પછી મરણ પર્યત તેનેજ વળગીને ચાલવું જોઈએ. તે વિચાર બાંધવામાં પણ જેમ અતિ ઉચ્ચાભિલાષી થવાય તેમ થઈને વિચારનો આકાર ઘડવો. આપણા મનમાં વિચારો અનેક માર્ગે પ્રવેશ કરે છે. જોવાથી, સાંભળવાથી, વાચવાથી, અનેક રીતિથી વિચારો આપણા મનમાં પ્રવેશ પામે છે, ને આપણે પોતે પાછાં તેમને પરસ્પરમાં ભેળી નાંખી તેમનાં નવાં રૂપ પેદા કરીએ છીએ. પણ તે બધામાંથી જેને નિત્યના ધોરણ રૂપે પકડી રખાય તેવા વિચાર તો એજ ગણાય કે જેનાથી આપણે આત્મભાવનો વિસ્તાર કરી શકીએ, ને જગતની ને આપણી જે સ્થિતિ હાલ છે તે કરતાં સારી સ્થિતિ કરી શકીએ.