આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૬
બાલવિલાસ.

પેદા કરે, તેવાં પુસ્તક જુવાન સ્ત્રી પુરૂષોએ વાંચવાં નહિ; તેમણે તો પોતાના ઘડાતા વિચાર પાકા થવામાં પુષ્ટી મળે તેવાં ઉત્તમ પુસ્તકોનું અવલોકન કરવું. મહોટપણે જ્યારે વિચાર પાકા થાય ત્યારે ગમે તે પુસ્તક વાંચી તેના સારની તુલના કરવી, ને તેમાંથી જે યોગ્ય હોય તે ગ્રહણ કરવું. ને બીજું વિસારે પાડવું, વિચાર જે ઘડાયા હોય તે પણ આવી તપાસથી ફેરવવા યોગ્ય લાગે તો ફેરવવા, એમાં જરાપણ હઠીલાઈ રાખવી નહિ પણ નિરંતર સત્ય ઉપર દઢ પ્રીતિ રાખવી. નવરા બેસી ગપાટા મારવા, કે એકાન્તમાં પડી કોઈના હિતાહિતના કુતર્ક કરવા, તે કરતાં સારાં પુસ્તક વાંચી, કે વિશ્વની ભવ્ય રચનાનું અવલોકન કરી, ઉત્તમ વિચારની વૃદ્ધિ કરવામાં સર્વ પ્રકારનું કલ્યાણ છે.

જે માણસને કશો નિશ્ચયપૂર્વક વિચાર નથી, જેને આખું જીવન ચલાવવાનું એકે ધોરણ નથી, ને જે ગમે તે સમયે ગમે તે રીતે વર્તે છે, તે માણસ સંસાર રૂપી સમુદ્રમાં સુકાન વગરના નાવ જેવું છે. જેમ સુકાન વગરનું વહાણ દરીયામાં ગમે ત્યાં અફળાઈ ભાગી જાય છે, તેમ નિશ્ચયપૂર્વક વિચાર વિનાના માણસોનો પણ વિનાશ થાય છે. આપણે ઘણાંક માણસ એવાં દેખીએ છીએ કે જેમને કાંઇ નિશ્ચયપૂર્વક વિચારજ ન હોય એવાં જણાય, ને સમયાનુસાર જુદા જુદા રંગ બતાવે; પણ તેમના વિશે આપણે જે વિચાર બાંધીએ છીએ કે તેમને કઈ નિશ્ચય નથી તે વિચાર ખરો નથી. તેવાને એક ઉગ્ર નિશ્ચય હોય છે, ને તે ઘણો નીચો તથા હલકો હોય છે, કે જે તે પ્રકારે સ્વાર્થ સાધવો. આવા નિશ્ચયવાળા માણસની વૃત્તિ બહુ નીચ હોય છે, ને તે કશા નિશ્ચય વગરનાં હોય એવાં દેખાય છે, પણ બગલાની પેઠે તાકીને બેઠાં હોય છે, કદી ચોટ ચૂકતાં નથી. જે નિશ્ચય રાખવાની વાત આ પાઠમાં કહી છે તે ઉત્તમ નિશ્ચય, ઉત્તમ વિચાર, રાખવાની કહી છે. જેને કાંઈ વિચાર નથી એવાં જે મૂર્ખ કે કુથલી કરનારાં છે. તેમનો વિનાશ જ થાય છે, જે અધમ વિચારવાળાં છે તે નીચપણાને પામી લોકોનો તિરસ્કાર પામે છે, પણ જે ઉત્તમ વિચારવાળાં છે તેજ સર્વ પ્રકારે સુખી થઈ પૂજાય છે.

શાસ્ત્રાર્થ

પંચતંત્રમાં એક વાત છે કે કાશીથી ભણીને ચાર પંડિતો આવતા