આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૫૮
બાલવિલાસ.

એ સમજવું સહજ છે. વેદ વિનાના બીજા જે જે શાસ્ત્ર છે તે, એક રીતે વેદની ટીકા જેવાં છે એટલે તેમનો ઘણો ભાગ અર્થવાદ જેવોજ હોય છે. માટે શાસ્ત્રોની વાતને અક્ષરે અક્ષર ખરી માની તે પ્રમાણે વર્તવા પૂર્વે તેમનો અર્થ યથાર્થ નક્કી થવો જોઈએ, આપણા ધર્મમાંથી જે જે રીતભાત નિત્ય પાળીએ છીએ તે કોઈ એકજ નિયમથી ઉત્પન્ન થયેલી હોતી નથી, જો કે તે બધાને હેતુ આપણા પોતાના કલ્યાણ વિના બીજો હોતો નથી, પ્રથમ વેદની આજ્ઞાઓ, તેને વધારે સ્પષ્ટ કરવા સ્મૃતિનાં વચનો, તે બંનેનું ખરું રહસ્ય નિયમ રૂપે બતાવવા યોગ વેદાન્ત ન્યાય ઈત્યાદિ છ શાસ્ત્રો, ને એ સર્વનો થોડો થોડો આધાર રાખી બધું વિસ્તારથી સ્પષ્ટ કરવા માટે પુરાણની કથાઓ છે. ત્યારે આપણે જે આચાર કે નિયમને વિચારતાં હાઈએ તેના વિષે એટલું પ્રથમ જાણવું જોઈએ કે તે વેદમાંનો છે, સ્મૃતિમાંનો છે, છ શાસ્ત્રમાંનો છે, કે પુરાણમાંનો છે. એટલું જાણ્યા પછી એમ પણ જાણી શકાય કે, તેમાંનો જે અર્થ છે તે વિધિરૂપ છે, નિષેધરૂપ છે, કે અર્થવાદ રૂપ છે. આ બે વાત જાણ્યા પછી એક ત્રીજી વાત પણ જાણવા જેવી છે. શાસ્ત્રનાં વચનો, ને તેમાં પણ મુખ્યત્વે કરી અર્થવાદરૂપ વચનો, ત્રણ પ્રકારે અર્થ બોધે છે. એક તેનો સ્થૂલ એટલે આપણે દેખીએ છીએ તેવી વ્યવહારદષ્ટિમાં લાગુ પડે તેવો અર્થ હોય છે; બીજો સૂક્ષ્મ એટલે હાલ દેખી શકતાં નથી, પણ જે વિચારમાત્રથી સમજાય તેવી છે, તે સૃષ્ટિને લાગુ પડે તેવો અર્થ હોય છે; ને ત્રીજો જે સર્વાકાર આત્મા સર્વત્ર એકરૂપે રહેલો છે તેને લાગુ થતો અર્થ હોય છે. આ ત્રણને આધિભૌતિક, આધિદૈવીક ને આધ્યાત્મિક અર્થ એમ કહીએ.

આ બધી વાત કેટલાંક ઉદાહરણોથી સ્પષ્ટ કરીએ. પુરાણોમાં શિવ, વિષ્ણુ, એવા ઘણા દેવનાં નામ આવે છે, ને તે દેવ એક એકની જોડે માણસોની પેઠે દ્વેષ, કલહ, યુદ્ધ ઈત્યાદિ કરતા પણ જણાય છે. આવાં યુદ્ધ અને જય અથવા પરાજયની વાર્તાઓ એક અર્થવાદ જેવીજ છે. કેમકે જે દેવ છે તે એવા ક્ષુદ્રભાવને અવલંબી યુદ્ધ કરવા જતા નથી, તે એટલે ઉંચે પદે રહ્યા પછી તેમને એવી વાસના પેદા થતી નથી, પણ જે લોક જે દેવના ભક્ત હોય તેમને તે દેવ ઉપર દઢ શ્રદ્ધા કરાવવા માટે તેમનાં શક્તિ, સામર્થ્ય, પરાક્રમ ઇત્યાદિનું વર્ણન કરેલું હોય છે, ને એમ કરવામા કાંઇ બાધ પણ નથી, કેમકે ગમે તે દેવને ભજીએ તેપણ બધાએ એકજ સર્વવ્યાપી આત્માના અંશ છે, ને બધાએ મોક્ષ આપે તેમ છે.