આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
બાલવિલાસ.

ધર્મ–ભાગ–૧

ધર્મ એટલે શું? ધૃ એટલે ધારણ કરવું એ ધાતુ ઉપરથી ધર્મ શબ્દ સિદ્ધ થયો છે. માણસોને, આખા સંસારને, આખા વિશ્વને, ધારણ કરનાર તે ધર્મ એમ કહી શકાય. પણ એટલુંજ સમજવાથી ધર્મનો અર્થ બરાબર થતો નથી. જગત્ માં જે વસ્તુ છે, જે જે બનાવ બને છે, તે સર્વનું સ્વરૂપ સમજતા પૂર્વે તેમનો ઉપયોગ જાણવાથી ઘણીવાર બહુ ખુલાસો થઈ શકે છે. ધર્મનો ઉપયોગ શો છે? તેનો હેતુ શો છે? એ જાણવું જોઈએ. ધર્મને હેતુ એટલોજ કે ચિત્તને શાંતિ વળી જાય, અને તેમ થયાથી, સુખ અનુભવાય. ચિત્ત એટલે જે ઇન્દ્રિયથી આપણે વસ્તુ, સંભવ, સર્વ જોઈએ છીએ, જાણીએ છીએ તે, એની શાન્તિ થાય એટલે એમ નહિ કે એ ચિત્તનો નાશ થાય, અથવા એ જે કાર્ય કરે છે તે બંધ પડે, એટલુંજ કે જે પ્રસંગે જેવું હોય તેવું યથાર્થ નીભાવી લઈ, તેમાં સુખ માની પરિતાપ અથવા દુઃખ ન પામે એવું ચિત્ત થાય તો તે એક પ્રકારની એ ચિત્તની શાન્તિ થઈજ ગણાય. ખરેખરી ચિત્તશાન્તિ તો એ જ છે કે જ્યારે તે ચિત્તનો જે જુદા જુદા પદાર્થોમાં ફેલાવાનો સ્વભાવ છે તે અટકી જાય. જ્યારે એમ થાય ત્યારે જ જેના વડે એ ચિત્ત પ્રવૃત્તિ કરતું સમજાય છે તેનું દર્શન ઉદય પામે, અને સુખ અનુભવાય. આવી શાન્તિ કેમ થાય? જ્યારે, માણસ પોતે હું શું છું? મારી સર્વપાસ જે જણાય છે તે શું છે? મારે ને તેનો સંબંધ શો છે? તે બરાબર સમજે, ત્યારે તેને જે કાલે જેવું હોય તે યોગ્યજ છે એમ સમજાય; અને સંતોષ વળે. સંતોષમાંથીજ સુખ પણ જન્મ પામે. સુખ એટલે શું? એ પણ જાણવાની જરૂર છે. સુખ એટલે આપણને અનુકુલ એવી કોઈ લાગણી; પણ એમાંએ ચઢતા ઉતરતા ભેદ હોય છે, તેમ કોઈ કોઈ અનુકૂલ લાગણીઓ બહુ મીઠી લાગવા છતાં તેના પરિણામની કડવાશને લીધે બહુ નઠારા સુખમાં ગણાય છે. આમ છે એટલે જે અનુકૂલ લાગણી સર્વદા એક જ રૂપે રહે તે ખરૂં સુખ, ને તેજ માણસે ઇચ્છવું, શોધવું, પામવું, તેવું સુખ તો જે કાલે જેવું હોય તેનાથી સમાધાન થાય એવું મન થાય ત્યારે અનુભવાય. ત્યારે ધર્મનો વિષય હવે નકકી થયો. સર્વદા એકજ રૂપે રહે તેવું સુખ પામવા માટે પ્રવૃત્તિ તે ધર્મ. સુખની ઈચ્છા સર્વને છે, કીડી પતંગથી તે દેવ પર્યત. કેમકે એવોજ અનુભવ સર્વત્ર ( જડ વસ્તુમાં પણ કહીએ તો ચાલે ) પ્રસિદ્ધ છે કે કોઈ એમ નથી ઇચ્છતું જે હું ન હોઉં