આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૭
મતાંતર.

ને તેના તેજથી તંમર ચઢે છે, તેમ જેની બુદ્ધિ રૂપી આંખો ઉઘડી ન હોય તેના આગળ, કે થોડી થોડી ઉઘડી તેજ ખમવાને સમર્થ ન હોય તેના આગળ, ચોખે ચોખા જ્ઞાનની ઝળઝળતી આરશી ધરાતી નથી. નાના બાળકને રમવા માટે તરવાર અપાતી નથી તેમ મોટા માણસ પણ બે પાસાની ધારવાળી તરવારથી ઘણીવાર પોતાનું જ ગળું કાપી બેસે છે. જેને જેવું ઘટે તેવું તેને આપવું; ને તે રીતે તેને ધીમે ધીમે સમજાવવું એજ ઉત્તમ માર્ગ છે; એમ જે કરવું તેનેજ શાસ્ત્રમાં અધિકાર પ્રમાણે ઉપદેશ કરવો એમ કહે છે. શ્રીકૃષ્ણે ભગવદ્દગીતામાં પણ એજ કહ્યું છે કે “ અજ્ઞાનીના મનને ચલાવી નાંખવું નહિ.” શાસ્ત્રાર્થના પાઠમાં આપણે ત્રણ પ્રકારે અર્થ સમજવાની રીત અને અર્થવાદરૂપ વાકયોને જુદ પાડી તેમનો સાર લેવાની વાત, કહી છે, તેનો હેતુ હવે પૂરેપૂરે સમજાશે કે જેવો અધિકાર તેવો ઉપદેશ. કથાઓની રચનામાં એજ યુક્તિ છે કે એકની એક કથા સાધારણ અધિકારવાળાને સામાન્ય માણસોની વાત હોય તેવી લાગી શ્રદ્ધા પેદા કરશે, મધ્યમ અધિકારીને ઉત્તમ દેવલોકના દિવ્ય ચરિત જેવી સમજાઈ વિચાર કરવાની શક્તિ આપશે; અને ઉત્તમ અધિકારીને એકાત્મભાવની એક રહસ્યરૂપે અનુભવાઈ જ્ઞાન પેદા કરશે, એજ પ્રમાણે જે અર્થવાદરૂપ વાતો છે તે પણ છેક અધમ અધિકારી હશે તેને શ્રદ્ધા ભક્તિ ઇત્યાદિના પુણ્યનું ફલ બતાવી તે તે કર્મ કરવાની રૂચિ પેદા કરશે.

ધર્મમાત્ર જે જે દેશકાલમાં પેદા થયા છે, ત્યાંના પ્રસંગ તથા લોક એ બેને જોઈ અધિકાર પ્રમાણે રચાયા છે. એ રચના એ તો તે ધર્મનું બાહ્યરૂપ છે, ને જો તે રૂપને વળગીનેજ ધર્મની સત્યાસત્યતાનો નિર્ણય કરવા બેશીએ તો આ દુનીયાંનો અંત આવે ત્યાં સુધી તકરાર કરતાં પરવારીએ નહિ. પણ તેનો બાહ્ય અર્થ તજી જે ગૂઢ અર્થ છે તેને સમજીએ, અધિકારને અનુસરીને જે રચના કરવી પડી હોય તેને કાઢી નાખીએ, ત્યારે સર્વ વાત એવી રીતે સમજાવાની કે તે સત્ય રૂપે સર્વત્ર એકજ જણાય. સત્ય છે તે એકજ છે, ને અનાદિ તથા અનંત છે. એ સત્યને સમજાવવા માટે અધિકાર પરત્વે યોજનાઓ થઈ છે, પણ જેને સમજવાની શક્તિ છે તે શબ્નેદ તજી અર્થને ગ્રહે છે, કુશકા તજી ચોખા વીણે છે, ને એમ બધે એકતા જ જુએ છે. ધર્મવિચાર માટે વિરોધ કરવો એજ અજ્ઞાનીનું કે અધાર્મિકનું લક્ષણ છે. કોઈએક ધર્મ સ્વીકારી તેથીજ અમારે મોક્ષ થયો છે કે થશે એમ જે માનતાં હોય તેણે તો સર્વ પ્રકારના વિચારનો ભેદ અતિ ઉદાર બુદ્ધિથી સહન કરવા જોઈએ. કેમકે

૨૩