આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૨
બાલવિલાસ.

ઠસ્યા હશે તો તેમાં બતાવેલા સિદ્ધાન્ત બાલકના લક્ષમાં ઉતરે તેવી શી યોજના કરવી તે ચતુર માતા સહજમાં શોધી લેશે, કેમકે માતના જેવું બાલકની સંભાળ કરનાર કોઈ નથી. આમ શરીર મન, નીતિ અને ધર્મ ચારે વાતમાં બાલકની પૂરી સંભાળ કરવાને પ્રત્યેક સ્ત્રીએ માતા થતા પૂર્વ તૈયાર થવું જોઈએ. નહિ તો પોતાને તેમ બાલકને જીવતા સુધી દુઃખ વિના બીજું મળી શકશે નહિ.


પ્રાર્થના
૧૬

આપણી અદશ્ય પણ સર્વદા આપણી દૃષ્ટિ આગળ જ હોય એવા કોઇ સર્વ શક્તિમાનને આપણે કાંઈ પણ પીડા, દુઃખ, વિટંબના, પડતાં સંભારીએ છીએ, 'ને તું સહાય થા” એમ અત્યંત આદ્રભાવે બોલીએ છીએ. સાધારણ લોક આવું કરે છે, સુધરેલા લોક દર અઠવાડીએ પોતાનાં પાપની ક્ષમા માગવાને મંદિરમાં જઈ સર્વશક્તિમાનને સ્તવે છે. ધાર્મિક હોય તો રોજ પોતાના ઘરમાં ઘડી ઘડી તેમ કરે છે. આનું નામ પ્રાર્થના કહેવાય છે. ને જેમ બીજી બધી વાતમાં સુધારો થાય છે તેમ ધર્મમાં પણ જે સુધારો થયો છે તેનું રૂપ છે. વગર સુધરેલા લોક તો નિત્ય સ્નાન સંધ્યા પૂજા માલા ઇત્યાદિ કરે છે; પણ પરમાત્માને સંતોષવા માટે કાંઈ એવા આડંબરની અપેક્ષા નથી, એટલે સાદી પ્રાર્થનાજ પૂર્ણ છે, એમ માની બીજા લોક તેમને હસે છે. પ્રાર્થના એટલે શું? એ વાત સમજતા પહેલાં પ્રાર્થના કરવાની શી અપેક્ષા છે એ સમજવાની બહુ આવશ્યકતા છે.

આ વિશ્વની આનંદમય અને નિયમિત રચના ચાલે છે, તેનો ચલાવનાર એમ કરવા માટે લેશ પણ ઉપકાર કે સ્તુતિની આશા રાખતો નથી, કેમકે એવી આશાથી કરેલું કામ સંસારમાં પણ નીચું ગણાય છે, તો પરમાર્થમાં તો અતિ અયોગ્ય ગણાવું જ જોઈએ તેમ આપણે પોતે તે કાર્યનો ઉપકાર માની બહુ ઉત્સાહથી તેના કર્તાની સ્તુતિ કરીએ તેથી તે કાંઈ રાજી થઈ જવાનો નથી, કે પોતાના જે સિદ્ધ નિયમો છે તેનો અંકોડો પણ ઢીલો કરવાનો નથી. ત્યારે બંને પાસાથી જોતાં કેવલ સ્તુતિ રૂપી પ્રાર્થના ગાવી કે જપવી એ કોઈ ઉપયોગની વાત લાગતી નથી. એવી સ્તુતિ સાંભળે તેવો કોઇ કર્તા આપણાથી જુદો તટસ્થ રહી, બધું નિયમતો હોય એમ માનવાથી પ્રાર્થનાનો વિચાર પેદા થાય છે ને તે પ્રાર્થના આપણે